આજે 27 ફેબ્રુઆરી છે.

આઝાદ ભારતના ઈતિહાસમાં 27 ફેબ્રુઆરી એક ટર્નિગ પોઈન્ટ છે. આ દિવસે બનેલી એક ઘટનાએ ભારતના રાજકારણને બદલી નાંખ્યું એમ કહીએ તો ચાલે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ  ગોધરા રેલ્વે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-છને સળગાવી દઈ 58 રામસેવકોને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારાયા હતા. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે કારસેવા કરીને હિંદુ શ્રધ્ધાળુ અમદાવાદ પાછા આવતા હતા ત્યારે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા કાંડ સર્જાયો હતો.

ગોધરા રેલ્વે સ્ટેશને વહેલી સવારે આવતી સાબરમતી એક્સપ્રેસ એ દિવસે ચાર  કલાક મોડી પહોંચી હતી. ગોધરા રેલ્વે સ્ટેશને એક કારસેવકને કોઈ મુસ્લિમ ફેરીયા સાથે મગજમારી થઈ તેમાંથી એક હત્યાકાંડ સર્જાયો એવો દાવો કરાય છે પણ પોલીસના મતે, આ હત્યાકાંડ કરવાનું કાવતરું ઘડાયું હતું. સાબરમતી એક્સપ્રેસ ઉપડી ત્યાં સુધીમાં તો મુસ્લિમોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ગોધરા સ્ટેશનથી થોડેક જ દૂર ચેઈન ખેંચીને રોકવામાં આવી. ભેગા થયેલા કટ્ટરવાદીઓની  ભીડે ટ્રેનને ઘેરી લીધી અને  સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-છની અંદર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને આગ લગાવી દીધી હતી. સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6ના દરવાજા બહારથી બંધ કરી દેવાયા હતા તેથી કારસવેકો બહાર ના નિકળી શક્યા. ભડભડ સળગતા કોચમાં 59 કારસેવકો જીવતા ભૂંજાઈ ગયા ને તેમનાં મોત થઇ ગયાં.

આ ઘટનાએ  સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હતો.

દેશભરનાં લોકોમાં આક્રોશ હતો. ગુજરાતમાં વિશેષ આક્રોશ હતો કેમ કે હત્યાકાંડમાં ગુજરાતી મરાયા હતા. આ આક્રોશનો લાભ લેવા 28 ફેબ્રુઆરી 2002ના રોજ વિશ્વ હિંદુ પરિષદે ગોધરા કાંડના વિરોધમાં બંધનું એલાન કર્યું હતું. આ બંધના દિવસે ગુજરાતમાં કોમી રમખાણો ભડક્યાં અને આખું ગુજરાત ભડકે બળ્યું હતું. તોફાની ટોળાંએ મુસ્લિમોના વિસ્તારોમાં ઘૂસી જઈને કત્લેઆમ કરી નાંખી. આ રમખાણો અને કત્લેઆમ ત્રણ દિવસ સુધી ચાલ્યાં.

ગુજરાતનાં હજારો ગામ એવાં હતાં કે જ્યાંથી મુસ્લિમોએ ભાગવું પડ્યું. નરોડા ગામ, નરોડા પાટિયા, સરદારપુરા, વડોદરા બેસ્ટ બેકરી, ઓડ ગામ વગેરે સ્થળે થયેલા હત્યાકાંડો ખળભળાવી મૂકે એવા હતા. ગુજરાતમાં કદી ના જોવા મળ્યાં હોય એવાં હિસાંનાં દૃશ્યો જોવા મળ્યાં. આખેઆખી વસતીઓ સળગાવી દેવાય કે લોકોને મોટી સંખ્યામાં જીવતાં ભૂંજી નંખાયાં હોય એવી ઘટનાઓ નોંધાઈ. ઠેક ઠેકાણે લોકોને ભાજીમૂળાની જેમ રહેંસી નંખાયેલા. આ તોફાનોમાં સત્તાવાર રીતે સાડા આઠસો જેટલાં લોકોનાં મોત થયેલાં પણ બિનસત્તાવાર રીતે આંકડો મોટો હતો. ગુજરાતમાં ઠેર ઠેર મોટા નરસંહાર થયા હતા ને હજારો લોકો બેઘર બન્યાં હતાં.

ગોધરા કાંડે ગુજરાતને કદી ના ભૂલાય એવી હિંસાની આગમાં ધકેલી દીધું હતું.

//////////////////////////////////////

ગુજરાતનાં 2002ના ગોધરા કાંડ અને તેના પગલે થયેલાં રમખાણોએ કોંગ્રેસને પતાવી દીધી.

કોંગ્રેસની છાપ ભૂતકાળમાં લીધેલા નિર્ણયોના કારણે મુસ્લિમો તરફી  અને હિંદુ વિરોધી પાર્ટીની થઈ ગઈ હતી.  ગુજરાતનાં 2002ના ગોધરા કાંડ અને તેના પગલે થયેલાં રમખાણો વખતે કોંગ્રેસને આ છાપ સુધારવાની તકત હતી પણ  એ વખતના કોંગ્રેસના વર્તને કોંગ્રેસની હિંદુ વિરોધી પાર્ટી તરીકેની છાપને પ્રબળ બનાવી દીધી.

આ હત્યાકાંડ સર્જાયો ત્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. વાજપેયીએ સંસદ સર્વાનુમતે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવીને વખોડી કાઢે એવો પ્રસ્તાવ મૂકેલો. કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતા તેને ટેકો આપવા માટે તૈયાર ન થયા. કોંગ્રેસના મતે ગોધરા રેલ્વે સ્ટેશને બનેલી ઘટના બહુ સામાન્ય ઝગડો હતો. તેને આતંકવાદી ઘટના ગણાવવાના દાવાની કોંગ્રેસે મજાક ઉડાવી હતી. ભાજપ રાજકીય ફાયદા માટે આતંકવાદની વાતો કરી રહી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો.

ગોધરા કાંડને પગલે ગુજરાતમાં  રમખાણો ફાટી નિકળ્યાં. ગુજરાતનાં રમખાણોના મામલે કોંગ્રેસે મુસ્લિમ તરફી અને હિંદુ વિરોધી વલણ  વલણ અપનાવ્યું તેના કારણે કોંગ્રેસની ઘોર ખોદાવાની શરૂઆત થઈ. કોંગ્રેસે આ રમખાણો માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવીને તેમની હકાલપટ્ટી કરાવવાની માગણી જોરશોરથી કરી હતી. ગુજરાતમાં 2002માં રમખાણોને કોંગ્રેસે મોદી સરકાર પ્રેરિત ગણાવ્યાં હતાં. એ પછી પણ કોંગ્રેસ એક જ વાજું વગાડ્યા કરે છે કે ગુજરાતનાં રમખાણો ભાજપે કરાવેલાં. ભાજપે સત્તા મેળવવા માટે રમખાણો કરાવેલાં અને મોદી તેના માટે જવાબદાર હતા. આ ઉધામાના કારણે હિંદુઓ કોંગ્રેસથી વેગળા થતા ગયા ને નરેન્દ્ર મોદી હિંદુવાદીઓના પ્રિય બની ગયા. કોંગ્રેસ ગોધરાકાંડને વખોડવા તૈયાર નહોતી પણ રમખાણોના મુદ્દે કૂદી કૂદીને બોલતી હતી તેના કારણે હિંદુઓને એવું જ લાગ્યું કે, કોંગ્રેસને મુસ્લિમોની પરવા છે જ્યારે હિંદુ મરી ગયા તેની પડી જ નથી.

ગુજરાતનાં રમખાણોના મામલે કોંગ્રેસે બહુ ધમાધમી કરી હતી. કોંગ્રેસે રમખાણોને રાજકીય મુદ્દો બનાવીને તેનો લાભ લેવામાં કોઈ કસર છોડી નહોતી. રમખાણો પછી યોજાયેલી પહેલી ચૂંટણીમાં કોંગ્રેસે રમખાણોને મુદ્દો ચગાવ્યો હતો પણ લોકોએ તેને ના સ્વીકાર્યો. કોંગ્રેસે 2007ના રમખાણોમાં પાછું એ જ વાજું વગાડેલું. સોનિયા ગાંધીએ તો નરેન્દ્ર મોદી માટે મૌત કા સૌદાગર જેવો શબ્દ વાપરી નાંખેલો.

નરેન્દ્ર મોદી અને ભાજપે તેનો  ભરપૂર લાભ લીધો. કોંગ્રેસ હિંદુ વિરોધી પાર્ટી હોવાના પ્રચારનો જોરદાર મારો ચાલ્યો. કોંગ્રેસ આ પ્રચારને ખાળવાના બદલે મુસ્લિમોની તરફદારી કરતી જ રહી. તેના કારણે હિંદુઓનો કોંગ્રેસ તરફ અણગમો વધતો ગયો. એક પછી એક રાજ્યોમાં કોંગ્રેસ ધોવાતી ગઈ ને અત્યારે નામશેષ થવાના આરે આવીને ઉભી છે.

//////////////////////////////////////

ગુજરાતનાં રમખાણોના કારણે મોદીનો ઉદય થયો.

રમખાણો વખતે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. ગુજરાતનાં રમખાણોના કારણે વાજપેયી મોદીથી ખફા હતા. વાજપેયીએ મોદીને ‘રાજધર્મ’ નિભાવવાની સલાહ જાહેરમાં આપી હતી. ભાજપના સાથી પક્ષો પણ રમખાણોના કારણે નારાજ હતા ને વાજપેયી પર મોદીને હટાવવા માટે જોરદાર દબાણ હતું. તેના કારણે  2002માં ગોઆ ભાજપની કારોબારીમાં મોદીએ રાજીનામું ધરી દીધું હતું. જો કે લાલકૃષ્ણ અડવાણીએ મોદીની પડખે અડીખમ ઉભા રહીને ભાજપ કારોબારી પાસે મોદીનું રાજીનામું નામંજૂર કરાવ્યું હતું. મોદીને આ ઘટનાક્રમ ફળ્યો. મોદીએ રમખાણો માટે શરમ અનુભવવાના બદલે રાજીનામું ધરી દીધું તેના કારણે હિંદુઓ મોદી પર ફિદા થઈ ગયા હતા.

રમખાણોના મુદ્દે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ અત્યંત આક્રમક  વલણ અપનાવ્યું તેના કારણે તેમની પાકા હિન્દુવાદી તરીકેની ઈમેજ બની ગઈ. ગોધરા કાંડમાં મરાયેલા લોકોના મૃતદેહો  અમદાવાદ લવાયા હતા. આ મૃતદેહોની હાલત જોઈને લોકોમાં ભારે આક્રોશ હતો.  ગોધરાકાંડના કારણે હિન્દુ ભડકી ગયેલા ને તેનું રીએક્શન તોફાનો સ્વરૂપે આવ્યું. તેનું રીએક્શન તોફાનો સ્વરૂપે આવ્યું. મોદીએ તેનો લાભ લેવા યાત્રા કાઢીને જે ડાયલોગબાજી કરી તે સાંભળીને હિન્દુઓ તેમના પર ઓળઘોળ થઈ ગયેલા.

મોદીએ ‘એક્શનની સામે રીએક્શન’ની વાત કરીને હિંદુઓને રાજી રાજી કરી દીધા હતા. તેના કારણે ગુજરાતમાં સાવ પતી ગયેલો ભાજપ પાછો બેઠો થઈ ગયો. મોદીએ તેનો લાભ લેવા  2002ની ગુજરાતની ચૂંટણી છ મહિના વહેલી કરાવી દીધી હતી ને રમખાણોના કારણે પેદા થયેલી હિંદુવાદની લહેરના કારણે મોદી જંગી બહુમતીથી જીતી ગયેલા.

ગુજરાતની 2002ની ચૂંટણીમાં મોદી હીરો હતા.

આ પરિણામો કોંગ્રેસ માટે મોટો બોધપાઠ હતાં પણ કોંગ્રેસે આ બોધપાઠ ગ્રહણ કરવાના બદલે મુસ્લિમોને પંપાળવાની નીતિ ચાલુ રાખી. સાથે સાથે નરેન્દ્ર મોદીને વિલન ચિતરવાના ઉધામા પણ ચાલુ રાખ્યા.

કોંગ્રેસના આ ઉધામાએ મોદીને કાયમ માટે હીરો બનાવી દીધા.

2002નાં રમખાણોમાં માત્ર મુસ્લિમો મર્યા એવું નહોતું.  હિંદુઓ પણ મર્યા જ હતા છતાં કોંગ્રેસે મુસ્લિમો જ મર્યા છે એવો સતત પ્રચાર કર્યો. ગુજરાતનાં રમખાણો નરેન્દ્ર મોદીએ કરાવેલાં અને તેમની સરકારના ઈશારે મુસ્લિમોની કત્લેઆમ થઈ એ વાત દમ વિનાની હતી છતાં કોંગ્રેસે વરસો સુધી એ જ રેકર્ડ વગાડ્યા કરી. મોદીને ખલનાયક ચિતરવા માટે  કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી હતી. કોંગ્રેસ કોમી તોફાનો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આરોપીના કઠેરામાં ઉભા કરવા બહુ ધમપછાડા કર્યા હતા.  આ ઘમપછાડાના કારણે મોદીની ચુસ્ત હિંદુવાદીની ઈમેજ મજબૂત બનતી ગઈ છતાં કોંગ્રેસ ના સમજી.

સુપ્રીમ કોર્ટે ગુજરાતનાં રમખાણોના મામલે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી દીધેલી. નીચલી કોર્ટે સીટના રીપોર્ટને મંજૂર રાખીને મોદીને રમખાણોના મામલે દૂધે ધોયેલા સાબિત કરી દીધેલા પણ મોદી પાછળ આદુ ખાઈને પડી ગયેલી કોંગ્રેસ મોદી મુસ્લિમોના હત્યારા હોવાની વાત જ કરતી રહી. રમખાણોના કેસમાં મોદીની પૂછપરછ પણ કરાવડાવી.

આ વાતો મોદીને ફળી.

મોદીએ હિંદુઓની તરફેણ કરી તેથી કોંગ્રેસ તેમની પાછળ પડી ગઈ છે એવું લોકોના લાગવા માંડ્યું. લોકોને મોદી માટે સહાનુભૂતિ વધતી ગઈ ને મોદી માટે વડાપ્રધાનપદ સુધી પહોંચવાનો રસ્તો બનતો ગયો. મોદીએ હિંદુવાદી ઈમેજના જોરે 2014ની લોકસભાની ચૂંટણી જીતી અને વડાપ્રધાન બની ગયા. 2019માં ફરી જીતીને ફરી વડાપ્રધાન બન્યા ને દેશના રાજકારણને સાવ બદલી નાંખ્યું.

//////////////////////////////////////

ગોધરા કાંડને 20 વર્ષ થઈ ગયાં.

ગોધરા કાંડે ગુજરાતમાં હિંદુત્વની જબરદસ્ત લહેર ઉભી કરી હતી પણ ગુજરાત સિવાયનાં બીજાં રાજ્યોમાં કોઈ લહેર નહોતી. બલ્કે ભાજપ માટે આ રમખાણો નુકસાનકારક સાબિત થયાં. 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપ હારી ગયો અને સત્તા ગુમાવવી પડી.

આજે બે દાયકા પછી સ્થિતી સાવ અલગ છે.

હિંદુત્વની અત્યારે દેશભરમાં બોલબાલા છે. મોદીના કારણે હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે અને આ મુદ્દો ભાજપને ફળી રહ્યો છે.