ખાંભાના ડેડાણ ગામે “ગાળો કેમ આપે છે?” તેમ કહેતાં એક યુવકને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે જયસુખભાઈ વશરામભાઈ મકવાણા (ઉં.વ.૩૭)એ હિંમતભાઈ ખીમજીભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમણે ભાગવી રાખેલી વાડીએ દડિયા રાખીને માંડવી કઢાવતા હતા અને તેની બાજુમાં આવેલી તેમની માલિકીની વાડીએ તેમના માતા-પિતા કપાસ વીણતા હતા. તે સમયે તેમની વાડી તરફથી જોરજોરથી અવાજ આવતો હોવાથી તેઓ ત્યાં ગયા હતા. ત્યાં આરોપી તેમના માતા-પિતાને ગાળો આપતો હતો. જેથી તેમણે “ગાળો કેમ આપે છે?” તેમ કહેતાં જ આરોપી વધુ ગાળો દેવા લાગ્યો હતો. તેમણે ગાળો દેવાની ના પાડતાં ઉશ્કેરાઈને આરોપીએ શરીરે આડેધડ ઢીકાપાટુ વડે મૂંઢ માર માર્યો હતો અને ત્યાં પડેલા લોખંડના પાઈપ વડે જમણી આંખની ઉપર કપાળના ભાગે એક ઘા મારી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. જે. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































