ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ૫૦ કિગ્રા વજન વર્ગમાં દેશ માટે ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યો છે. વિનેશે બિશ્કેકમાં ચાલી રહેલી એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સની સેમી ફાઇનલમાં કઝાકિસ્તાનની લૌરા ગણિક્યાજીને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. વિનેશે ૫૦ કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં ગણિક્યજીને ૧૦-૦થી હરાવ્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારા કુસ્તીબાજાને તેમના દેશ માટે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોટા મળશે. ૫૦ ઉપરાંત, વિનેશે તાજેતરમાં પટિયાલામાં આયોજિત પસંદગી ટ્રાયલ દરમિયાન ૫૩ કિગ્રા વજન વર્ગમાં પણ ભાગ લીધો હતો. તે ૫૩ કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં હારી ગઈ હતી. પરંતુ ૫૦ કિગ્રા વજન વર્ગમાં જીતના કારણે વિનેશને એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર માટે એન્ટ્રી મળી હતી. તેણે ૫૦ કિલો વજન વર્ગની ફાઇનલમાં શિવાનીને હરાવી હતી.
વિનેશ ફોગાટ દેશના ત્રણ ટોચના કુસ્તીબાજામાં સામેલ છે જેમણે ભૂતપૂર્વ ડબ્લ્યુએફઆઇ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મહિલા કુસ્તીબાજાના જાતીય સતામણીનો આરોપ લગાવતા વિરોધનું નેતૃત્વ કર્યું હતું. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સામે કેસ નોંધ્યો હતો પરંતુ તેને જુલાઈમાં સ્થાનિક કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.