ગામડાઓ ભાંગવા ન જોઈએ એમ બધા ગાઈ વગાડીને ભાષણો કરે છે. એ માત્ર ભાષણો જ સાબિત થવાના છે કારણ કે, બોલનાર માણસોના પગ જમીન ઉપર રહ્યા નથી. કયાં, કેટલી અને કેવી મુશ્કેલી છે એની એ.સી. ઓફિસ અને મોંઘી ગાડીઓમાં ફરનાર વ્યક્તિઓને ઓછી ખબર હોય છે. ભૂતકાળમાં નેતાઓ અને અધિકારીઓ ગામડામાં રહેતા હતા એટલે ગામડાઓ બજેટમાં આવતા અને ગોકુળગ્રામ જેવી યોજનાઓ અમલી બનતી હતી. આજે ધીમે-ધીમે ગામડાઓ વિસરાઈ રહ્યા છે. અને સ્માર્ટ સિટીની યોજનામાં અબજા રૂપિયા વપરાય છે. તો ગામડાઓમાં રહે કોણ? સ્માર્ટ વિલેજ યોજના ક્યારે આવશે? આઝાદીના ૭પ વર્ષમાં અમુક ગામડાઓમાં ત્રણથી ચાર વખત ગામના સ્મશાન, અવેડા, બસ સ્ટેન્ડ અને પંચાયત ઘરો બની ગયા. કારણ શું ? ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા. સોરી… જવા દો. આ તો દિલમાં હતું એટલે જરા લખાઈ ગયું. અહિં મૌન માનવીઓને જગાડવા શકય નથી.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેતી માટે સંશોધનાત્મક દિશામાં આગળ વધીને ઓછો ખર્ચ, સારૂં ઉત્પાદન અને ભાવ મળી રહે તે દિશામાં કામ કરી રહી છે. આજે વાત કરવી છે ૧૮૦૦ પાદરના પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણ કુમાર સિંહજીના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના યુવા ખેડૂતની. માંડ દસ વિઘા જેટલી જમીનમાં રાતદિવસ મહેનત કરીને રોહિતભાઈ પંડ્યા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રોહિતભાઈનો દીકરો જયપાલ જેની ઉંમર માત્ર ર૧ વર્ષની છે અને કોલેજમાં અભ્યાસ કરે છે, તેને પોતાના પિતાની ખેતીમાં કાળી મજૂરી છતાં આવકમાં કંઈ નહિ તો કંઈક નવીન ખેતી કરવાની ઈચ્છા જાગી. પોતાના પિતાને વાત કરી તો રોહિતભાઈએ જવાબ આપ્યો દીકરા ભણી-ગણીને નોકરી ધંધો કર – આ ઢેફા ભાંગીને શું કરીશ ? છતાં હિંમત હાર્યા વિના જયપાલે કેસરની ખેતી કરવાનો વિચાર કર્યો અને કેસરની ખેતી માટે જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લાના પેમ્પર ગામના ખેડૂતોની મુલાકાત લીધી અને વાતાવરણ, બિયારણ વિગેરેની માહિતી મેળવીને વતન આવી ગયો. પોતાની જગ્યામાં ૧રટ૧પ ની સાઈઝનો કોલ્ડરૂમ ઉભો કરીને કેસરનું ૧ર૦૦ કિલો બિયારણ કાશ્મીરથી લાવી અને વાવેતર કર્યું. ૯૦ દિવસમાં કાશ્મીરી કેસર રેડ ગોલ્ડ ર એમ.એમ. સુધીના ગ્રો સાથે તૈયાર થાય છે. અને ૧ કિલો ર૦૦ ગ્રામ જેટલું ઉત્પાદન મળે છે. અને સ્થાનિક માર્કેટમાં એક ગ્રામના ૧૦૦૦ થી ૧ર૦૦ રૂપિયાના ભાવે વેચાણ કરે છે. બિયારણનો કિલોનો ભાવ રપ૦૦ થી ૩૦૦૦ જેટલો ભાવ હોય છે. ૧રટ૧પ ની સાઈઝના કોલ્ડરૂમનો ખર્ચ રૂ. ૧૭થી ૧૮ લાખ જેટલો થાય છે. જયપાલ કહે છે, “ખેડૂતોના દીકરાઓએ ખેતી છોડીને મજૂર બનવા કરતા આધુનિક ખેતીના જ્ઞાન સાથે ખેતી કરે તો સારી કમાણી થાય છે.” જયપાલ પંડ્યાનો સંપર્ક નં.૮૩૪૭પર૬૮૬૮ છે.
:: તિખારો::
કોઈ પણ વ્યક્તિ એમ જ પોતાની રીતે બદલાય નથી જતી. જેમ વૃક્ષ ઉપર વધારે ફળ આવે તો એની ડાળ તૂટવા લાગે છે, તેમ જીવનમાં ઘણી ઘટનાઓ એવી બને છે કે માણસને પોતાની ઓકાતથી વધારે માન-સન્માન મળવા લાગે ત્યારે સંબંધો તોડવા લાગે છે. એટલે જ તો વફાદાર માણસ મૌન બની તૂટતા સંબંધો જાળવી રાખે છે.