‘બકા, આ વરસતા વરસાદમાં તારા ઘરનો સામાન રોડ ઉપર કેમ પડ્યો છે?’ બોસે આવતાની સાથે જ બકાને પ્રશ્ન કર્યો.
‘બોસ, તમને તો ખબર છે કે, સરકારી સહાયથી મેં જેવું તેવું સરકારી સહાય જેવું મકાન બનાવ્યું ‘તું, ઈ મકાન આ વધારાના વરસાદ (માવઠા)થી ગઠબંધન સરકાર ભાંગી પડે એમ મારું મકાન પણ તૂટી પડ્યું. હવે મારી પાસે રોડ ઉપર રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. એક મારો ખેડૂત પાથરાના ખેતરમાં રોવે છે, અને હું રોડ ઉપર.’
‘એક કામ કર બકા, થોડાંક દિવસ તું ભાડે મકાન ગોતી લે. સરકાર કાંઈક કરશે.’‘સરકાર શું કરશે? મંત્રી આવીને ફોટા પડાવશે. ટી.વી.વાળાઓ આવીને એમની ટી.આર.પી. વધારશે. સામાજિક માણસો આવીને આશ્વાસનના શબ્દો બોલશે અને સગા સંબંધીઓ ફોન ઉપર ખબર કાઢી લેશે. મારે તો ઉપર આભ અને નીચે ધરતી. હું ક્યાં જઈશ!??’
‘બકા, સરકારને કરવાના ઘણાંય કામ હોય. એ આવા નાના નાના કામમાં જલ્દી ધ્યાન નો આપે.’
‘આ મારો જગતનો તાત ખેતરમાં પડ્યો પડ્યો રોવે છે. પાથરાને ભથ ભરી ભરીને હીબકાં ભરે છે ઈ સરકારને નથી દેખાતું? મારું તો સરકારી સહાય વાળું મકાન જ ગયું છે. પણ, મારા ખેડૂતની આખા વરસની કમાણી ધોવાઈ ગઈ છે. પાણીમાં વહી ગઈ છે. ઈ ’ય સરકારને નથી દેખાતું?? અને જો જગતના તાતનું આ દુઃખ સરકારને ના દેખાતું હોય તો, સરકારને સરકાર હકાવવાનો હક જ નથી. જાહેરાતોમાં રૂપિયા ભાંગવાની જરૂર નથી. મારાં ખેડૂતના આંસુ લુછવાની જરૂર છે.’
‘બકા, તારું દુઃખ -દર્દ હું હારી રીતે હમજું છું.
પણ, સરકાર નથી હમજતી એનું હું!?
જો બકા, રાજા, વાજા અને વાંદરા (આમ તો હવે રાજા રહ્યા નથી એટલે કહેવતે ’ય જૂની થઈ ગઈ છે.) વાર્યા ન વળે, હાર્યા વળે. પણ, કહેવત તો કહેવત છે. લાગું તો પડે જ. અને આમેય હવે સરકારનું ભરાતું આવે છે.’
‘શું પેટ !??’
‘બકા, પેટ તો ક્યાંરનુ ભરાય જ ગયું છે. હવે એમાં બટકું ‘ય હામે એમ જ નથી. કારણ કે, કામ જ એટલા અને એવા કર્યા છે. પણ, ઓલ્યું ‘ઘડો ભરાવા’ની વાત નથી ? એવું. પણ બકા, એ બધું જાવા દે. સરકાર ગમે એની આવે હંધાય એના એ જ છે. આપણે સરકારની રાહ જોયા વગર ભાડે મકાન ગોતી લેવાય.’
‘બોસ, આજ કાલ ભાડાય ક્યાં સસ્તા છે ? મોંઘવારીએ માજા મૂકી છે.’
‘ના ના ના બકા. મેં હમણાં જ પેપરમાં વાંચ્યું હતું કે, ગાંધીનગર જેવાં ગાંધીનગર પાટનગરમાં રૂપિયા ૩૭ હા હા ‘સાડત્રીસ પુરા’માં આલીશાન ફ્લેટ ભાડે મળે છે. તો પછી આપણું તો ગામડું છે. મફત જેવામાં મળી જાહે.’
‘બોસ, તમારે છાપું વાંચવામાં ભૂલ થઈ હશે. રૂપિયા સાડત્રીસ નહીં, સાડત્રીસ હજાર હશે. સાડત્રીસ રૂપિયામાં તો એક કિલો શાકભાજી ’ય નથી આવતું તો આવો આલીશાન ફ્લેટ ક્યાંથી આવે.’
‘બકા, તને શંકા કરવાની ખૂબ ટેવ છે. સરકારની દાનત ઉપર તો શંકા કરે ઈ હમજયા. પણ, મારી ઉપરે ય શંકા? તું એમ નહીં જ માને. લે..આ છાપું જ વાંચ.’
‘બોસ, તમારી રૂપિયા સાડત્રીસ વાળા ભાડાની વાત હાચી છે. પરંતુ, તમે અંડર લાઇન વાંચ્યું? એ લકઝુરિયસ ફ્લેટ, મોટા મોટા ચાર ચાર બેડરૂમવાળા ફ્લેટ, સંપૂર્ણ સગવડતાવાળા ફ્લેટ રૂપિયા સાડત્રીસમાં ભાડે મળે છે. પણ કોને ? ધારાસભ્યને.આપણા જેવાને નહીં. આપણા જેવાને તો દરવાજામાં ’ય દાખલ થવા ન દે.’
‘ઓ..હો..! એવું છે ? તો પછી મારે ઉતાવળમાં એ વાંચવાનું રહી ગયું હશે. પણ, મને એ ના હમજાયુ કે, આવડા મોટા ફલેટ ધારાસભ્યને શું કરવા હશે ?
અને એમાં એ કેટલા દિવસ રહેતા હશે ?’
‘બોસ બોસ, મેં હાંભળ્યું છે કે, ધારાસભ્યનો એક પગ ગાંધીનગરમાં અને એક પગ એનાં વિસ્તારમાં હોય છે. એટલે એમને બબ્બે, ત્રણ ત્રણ ઘર કરવા પડે છે. આખરે જનતાની સેવા એમ જ થોડી થાય!!’
‘બકા, ધારાસભ્ય પણ માણસ હોય છે હોં. સાવ એવું ના પણ હોય.’
‘તો તમને શું લાગે છે? બીજું શું કારણ હોય?’
‘હમણાં મેં પેપરમાં વાંચ્યું હતું કે, ધારાસભ્યોના નિવાસસ્થાન જુગારના અડ્ડા બની ગયાં છે. રોજના રૂપિયા ૩૦૦૦૦/- લઈને જુગાર રમાડાય છે. તો કોઈ ધારાસભ્યના ફ્લેટમાં કોઈ બહારથી તાળું મારીને અંદર કહેવાતાં પતિ-પત્ની સમય પસાર કરે છે. અને આવો સમય પસાર કરવાનો તગડો ચાર્જ કોઈ વસુલે છે.’
‘ઓ.. હો..! ધારાસભ્યો આવું આવું કરતા હશે ? ’
‘કદાચ! ઈ નો ’ય કરતા હોય. એમના માણસો કરતા હોય. આખરે એમને ‘ય પેટ તો હોય જ ને. કયાં સુધી ગધ્ધામજૂરી કરે. ’
‘હવે મને હમજાય છે કે, ધારાસભ્યોને જુના મકાનના બદલામાં નવા-નક્કોર અને મોટા ફલેટ શા માટે આપ્યા ?’ ‘શા માટે આપ્યા બોલ તો ?’
‘જુના મકાન નાના હતા એટલે રોજનો વકરો ઓછો આવતો હતો. હવે મોટા મોટા ફ્લેટ મળ્યા છે, તો વકરો વધી જાહે. એક દિવસના રૂપિયા ત્રીસ હજાર ગણો તો મહિનાના થયા નવ લાખ. અને એક વર્ષના થાય એક કરોડને આઠ લાખ. એક ધારાસભ્ય પાંચ વરહ રહે તો આંકડો પહોંચે પાંચ કરોડને ચાલીસ લાખે. અને હવે મોટા ફલેટ મળ્યા. તો કમાણી ‘ય ડબલ થાહે. બોસ, એટલે તો હંધાય ધારાસભ્ય બનવા વલખાં મારે છે. ગમે એમાં જોડાઈ જાવ. ગમે એમ કરો. પણ ધારાસભ્ય બનો. પછી બખ્ખા જ બખ્ખા છે.
kalubhaibhad123@gmail.com







































