‘જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે એક હારો, રૂડો રૂપાળો અને કિંમતી પુરસ્કાર જોઈએ છે.’
બકાએ શેરીમાં મોટેથી બૂમ પાડી.
શેરીવાળાને થયું ભંગારવાળો ખાલી તેલનાં ડબ્બા માંગે, લોખંડનો ભંગાર માંગે, પુઠા અને પસ્તી માંગે પણ, આ શું માંગી રહ્યો છે? બધા કૂતુહલથી બકાને જોઈ રહ્યા.
બોસે પણ બકાનો અવાજ સાંભળ્યો. એને થયું,
છે તો બકો જ. પણ એ શું માંગી રહ્યો છે? કિંમતી પુરસ્કાર કાંઈ એમને એમ થોડો મળે !?
‘બકા, આ શું નવું ચાલું કર્યું?’
‘લો કર લો બાત! તમે હાંભળ્યું નહીં? મારે પુરસ્કાર જોઈએ છે. અને એ ય પાછો કિંમતી.’
‘બકા, બકા… કિંમતી પુરસ્કાર એમને એમ નો મળે !!’
‘બે- ચાર આંટાફેરા વધારે મારીશ. આઠ-દસવાર મોટેથી બોલીશ. અને ઓળખાણની જરૂર પડશે તો લાગવગ કરીશ પણ પુરસ્કાર તો ગોતવો જ છે. આજે પુરસ્કાર લીધે પાર છે.’
‘બકા..આ, પસ્તીમાં પસ્તી જેવો પુરસ્કાર (અને એ પણ ભૂલથી આવે) તો મળે. બાકી.., પુરસ્કાર માટે તો રાત-દિવસ મહેનત કરવી પડે. તમારી આવડત બધાને દેખાડવવી પડે. સમજો, નેવાના પાણી મોભે ચડાવવા પડે ત્યારે કિંમતી પુરસ્કાર મળે.’
‘પણ બોસ, મારે એવો પુરસ્કાર નથી જોતો. મારે તો શાંતિનો ‘નોબેલ પુરસ્કાર’ જેવો પુરસ્કાર જ જોઈએ છે.’
શેરી વાળાને ઝાઝી ગતાગમ ના પડી. પણ બોસ અને અમથાલાલ સમજી ગયા કે, બકો ક્યાંકથી સાંભળીને આવ્યો છે. કાં ટી.વી.માં જોઈને આવ્યો છે. બાકી ક્યાં બકો અને ક્યાં શાંતિનો ‘નોબેલ પુરસ્કાર.’
અમથાલાલે બકાને વાર્યો.
‘બકા, તું હમજે છે, અને માને છે, એવો શાંતિનો નોબેલ પુરસ્કાર આમ લારી લઇને ગોતવા નીકળે તો થોડો મળે ? ઈ તો…”
‘તમે એમ કહો કે, છાપાંવાળા ખોટા? શું ટી.વી. વાળા ખોટા? ’
‘અરે પણ, તે છાપાંમાં વાંચ્યું શું? ટી.વી.માં જોયું શું?
ફોડ પાડીને વાત કર તો ખબર પડે.’
‘છાપાંમાં લખ્યું હતું કે, આજકાલ પુરસ્કારો વેચાતાં મળે છે. આ ખોટું? શું છાપાંમાં ભૂલથી છપાણું??’
‘બકા, તારે વાંચવામાં ભૂલ થઈ હશે. ’
‘તો શું ટી.વી.વાળા ‘ય ખોટા? હમાચાર ખોટા થોડા હોય.’
‘મારુ કેવાનું એમ છે કે, આજકાલ સોશ્યલ મીડિયામાં આવું હાસુ -ખોટું ઘણું હાલતું હોય છે, ફરતુ હોય છે. કદાચ! તે ઈ વાંચ્યું હોય.’
અમથાલાલ તમે મને હાવ અભણ હમજો છો ? હું નિહાળના પગથિયાં તો ચડયો તો હોં.’
‘તો..ઓ.. મને કહે, તે શું વાંચ્યું? તે શું સાંભળ્યું??”
‘છાપાંમાં લખ્યું હતું કે, આજકાલ હંધાય પુરસ્કારો વેચાતા મળે છે. શિક્ષણમાં પુરસ્કાર જોઈએ તો મોટા સાહેબને મળો. પોલીસખાતામાં પુરસ્કાર જોઈએ તો ઉપરી અધિકારીને રાજી કરો. અને ફિલમ લાઈનમાં એવોર્ડ જોઈએ તો, છી..છી..છી મારે એવું નથી બોલવું. આ હંધૂય તો ઠીક છે મારા ભાઈ હમજયા! પણ, ચોથી જાગીર જેને કહેવાય એવા પત્રકાર જગતમાં ‘ય કાંઈ હારાવાટ નથી. મને એક જગ્યાએ ભરોસો હતો.’
‘એ વળી કઈ જગ્યા?’
‘મને લેખકો ઉપર ભરોસો હતો. જેમણે ઈતિહાસ લખ્યો છે, એમની ઉપર મોટો ભરોસો હતો. પણ, ન્યાં’ય ભરોસાની ભેંહે પાડો જણ્યો.’
‘એટલે તું લેખકોને કહેવા શું માગે છે? લેખકો વેચાઈ ગયા છે?’
‘ના ના ના અમથાલાલ ના. આવું હું નથી કહેતો. છાપાંવાળા અને ટી.વી.વાળા કહે છે. લાયક લેખકો વરસો સુધી લખાણપટ્ટી કર્યા જ કરે છે. કર્યા જ કરે છે. એની હામું કોઈ જોતું જ નથી. અને આજકાલના નવું નવું લખતાં લેખકો ચમચાગીરી કરે છે, અને જાત જાતનાં અને ભાત ભાતનાં પુરસ્કારો મેળવી લે છે. સર્ટીફીકેટ વેચાતા લઈ લે છે.’
‘એટલે તારું કહેવાનું એમ છે કે, હંધાય આવું કરે છે?’
‘ના અમથાલાલ ના. ક્યાંક ક્યાંક આવું હાલે છે. પણ, આ તો ઉધઈ જેવું કહેવાયને. કયારે આખી સિસ્ટમ ખાય જાહે એની ખબર પણ નહીં પડે.’
‘હા પણ, તને આ પુરસ્કારવાળી વાત મગજમાં આવી કેવી રીતે? તારી તો આ લાઈન નથી. પછી આવી અંદરની વાત તને કહી કોણે ??’
‘અમથાલાલ, તમે હમજો છો ને, એવો હું હાવ નથી. હું જેટલો બહાર દેખાવ છું ને એટલો જ ભોંમાં પણ છું.’
‘હું કાંઈ સમજયો નહીં. તારુ કહેવાનું શું છે ?’
‘હું ભલે નાનકડાં ગામડામાં એક ખૂણે બેઠો. પણ, ખબર હંધાયની રાખું છું.’
‘જેમ કે…’
‘જેમ કે, આ પુરસ્કાર વાળી વાત. હું મોદી સાહેબને હાંભળુ છું, એમ વિપક્ષના રાહુલ ગાંધીનેય હાંભળુ જ છું.’
‘હા પણ, આમાં ક્યાં મોદી સાહેબ કે રાહુલ ગાંધી આવ્યા?’
‘એટલે તો આ વાતની શરૂઆત થઈ છે.’
‘વળી નવા કોકડાનો ગુંચવાડો કર્યો!??’
‘ના..આ.. મને પુરસ્કાર વાળી વાત રાહુલ ગાંધી પાંહેથી જ મળી છે.’
‘કેમ, કેમ ? ઈ વળી કેવી રીતે?’
‘કોંગ્રેસનાં પ્રવકતા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે, મારી મચકોડીને પણ, રાહુલ ગાંધીને ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ આપો.’
‘બકા બકા, તારે વાંચવામાં મિસ્ટેક થઈ છે. મારી મચકોડીને નહીં. ‘મારિયા
આભાર – નિહારીકા રવિયા મચાડો’ નામ છે.
આ ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ વેનેઝુએલાની મારિયા કોરીના મચાડોને મળ્યો છે. એની વાત છે?’
‘હા હા, ઈ જ. કોંગ્રેસને લાગ્યું કે, ઈ વિપક્ષમાં રહીને કામ કરે છે. રાહુલ પણ વિપક્ષમાં છે. મચાડો ગુમ થઈ ગઈ હતી. રાહુલ પણ વારે પરબે ગુમ થયા કરે છે. તો પછી રાહુલને આવો પુરસ્કાર આપો. મચાડોને મળે તો રાહુલ ગાંધીને કેમ નહીં??’
kalubhaibhad123@gmail.com