અમરેલી માર્કેટિંગ યાર્ડ દ્વારા ગત તા. ૧૬ના રોજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અને જનજાગૃતિ લાવવા માટે તેમજ સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે વિશ્વાસ અને ગૌરવ વધે તે માટેનો હતો. આ સ્નેહમિલન અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, વિજયભાઈ ચોટલીયા તેમજ યાર્ડના ડિરેક્ટરો અને યાર્ડના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રાએ તમામ વેપારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આત્મનિર્ભર ભારત પર ‘હર ઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી’નો સંકલ્પ લેવડાવ્યો હતો.