અમરેલી જિલ્લામાં ચૈત્ર સુદ પૂનમના દિવસે રામભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેર અને જિલ્લાભરના હનુમાનજી મંદિરમાં આજે સવારથી જ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્‌યા છે. જેમાં ખાસ કરીને દામનગર નજીક આવેલા ભુરખીયા હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગે મહાઆરતી કરવામાં આવી હતી. ભુરખીયા હનુમાનજી મંદિરના મહંતે હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરી હતી. દાદાના દર્શન કરવા સવારથી જ મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી. જિલ્લાના વિવિધ શહેરોમાં આવેલા હનુમાનજી મંદિરે પણ સવારથી જ ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બપોર સુધીમાં હજારો ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે અને બપોરના સમયે મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. જિલ્લામાં અનેક સ્થળોએ હનુમાનજી મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી તેમજ મહાપ્રસાદ અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.