સરકારની નીતિ સામે અમરેલી જિલ્લા કિસાન સંઘે વિરોધ વ્યકત કર્યો

ખાતર વિક્રેતાઓને કારણે નાના ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો

અમરેલી જિલ્લામાં હાલ ખેડૂતોને ચોમાસાના વાવેતર માટે ખાતરની જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને દર સિઝનમાં કડવા અનુભવો થઈ રહ્યા છે. સહકારી મંડળી દ્વારા ખેડૂતોને ખાતરની સાથે બિનજરૂરી રીતે સલ્ફર, ર૦-ર૦ ખરીદવાનો આગ્રહ રાખતાં નાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ગયા છે. આ અંગે મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લામાં સહકારી મંડળી હોય કે ડેપો, ખાતર વિક્રેતા ખેડૂતો ઘણી વખત ખાતરની અછત હોવાના બહાના હેઠળ કે ખાતર સાથે બિનજરૂરી સામગ્રી ખરીદીનો આગ્રહ કરીને હેરાન કરી રહ્યા છે. એક ખાતરની સાથે દવા, લિકવિડ કે સલ્ફર ખાતર ફરજિયાત લેવા ફરજ પાડી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. એક થેલી ખાતરની જરૂરિયાત વાળા ખેડૂતોને પણ બમણો ખર્ચ કરવો પડે છે. વધુ જરૂર હોય તેવા સંજોગોમાં આ નીતિ અપનાવે તો યોગ્ય છે પણ ખેડૂતોની મજબૂરીનો ખોટો લાભ ઉઠાવવામાં આવી રહ્યો હોવાનું ખેડૂતો રોષપૂર્વક જણાવી રહ્યા છે. આ મુશ્કેલી અંગે ખેડૂતોએ રાજ્ય કક્ષા સુધી લેખિત રજૂઆત કરી છે જેમાં તંત્ર ખેડૂતો માટે બે ધારી તલવાર જેવી નીતિ અપનાવી રહ્યું હોવાનું જણાવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ખાતરની
કૃત્રિમ અછત ઊભી કરીને ખેડૂતોને હેરાન કરવાની નીતિ અપનાવતા લોકો સામે પગલાં લેવામાં ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. ખાતરના ડેપોમાં પાંચ થેલી ડીએપી ખાતર સાથે બિનજરૂરી સલ્ફર કે ર૦-ર૦ લેવુ પડે છે. જો ખેડૂત ઇનકાર કરે તો તેઓને ખાતર આપવામાં આવતું નથી.

અગાઉ ખાતરની સાથે નેનો યુરીયા આપવામાં આવતું
અમરેલી જિલ્લાના ખેડૂતો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ પહેલા ડીએપી ખાતરની સાથે નેનો ખાતર આપવામાં આવતું હતું. જા કે ખેડૂતોની નેનો ખાતર લેવાની ઈચ્છા ન હોવા છતાં ફરજિયાત ધાબડી દેવામાં આવતુ હતું. જા ખેડૂતોને નેનો ખાતરની લેવાની જરૂરીયાત હોય તો તે લઈ શકે છે પરંતુ ડીએપી ખાતરની સાથે ફરજિયાત નેનો ખાતર આપવાની સામે ખેડૂતોએ રોષભેર વિરોધ નોંધાવ્યો હતો.

ભારતીય કિસાન સંઘે પણ વિરોધ કર્યો
અમરેલી જિલ્લામાં પાંચ ડીએપી ખાતરની સાથે સલ્ફરની થેલી આપવા સામે ભારતીય કિસાન સંઘ-અમરેલી જિલ્લાવાળાએ પણ પોતાનો વિરોધ વ્યકત કર્યો છે. ડીએપી ખાતરની સાથે રૂ.૯૦૦ કરતા વધારેનું સલ્ફર ખાતર આપવામાં આવે છે. ઈફ્કો ૧૦ થેલી ડીએપીની સાથે ફરજીયાત રૂ.૬૦૦ કરતા વધારેનું નેનો ખાતર ફાળવે છે. સરકારની આ નીતિને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. જેથી ડીએપી ખાતરની સાથે બિનજરૂરી ખાતર આપવામાં ન આવે તેવી અમરેલી જિલ્લા કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.