શહેરમાં તાવ, ખાંસી, શરદી સહિત વાયરલ ઈન્ફેક્શન અને ટાઈફોઈડના કેસનો રાફડો ફાટયો છે, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યા ઘટવાનું નામ લેતી નથી, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના ૧૩૪૨ કેસ નોંધાયા છે.
શહેરમાં સ્વાઈન ફલૂએ ફરી એક વાર માથું ઊંચક્યું છે, એપ્રિલ મહિનાના ૧૪ દિવસમાં સોલા સિવિલમાં એચ૧એન૧ એટલે કે સ્વાઈન ફલૂના ૨૧ શંકાસ્પદ દર્દી નોંધાયા છે, જે પૈકી ૮ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જે પૈકી છેલ્લા એક સપ્તાહમાં ૧૧ શંકાસ્પદ કેસ સાથે પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ટાઈફોઈડના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે, ગત સપ્તાહે માંડ ચાર કેસ આવ્યા હતા, જાકે છેલ્લા સપ્તાહે અચાનક કેસ વધ્યા છે, ટાઈફોઈડના નવા ૪૧ દર્દી નોંધાયા છે. વાયરલ હિપેટાઈટિસના ૭ દર્દી, ઝાડા ઉલટીને લગતા ૪ દર્દી નોંધાયા છે. સોલામાં છેલ્લા બે સપ્તાહમાં ડેન્ગ્યુના ૮૧ શંકાસ્પદ કેસમાં દર્દીઓને સારવાર અપાઈ છે, જે પૈકી બે રિપોર્ટ પોઝિટિવ છે. બે સપ્તાહમાં મેલેરિયાના ૩૮૧ કેસ આવ્યા છે, જે પૈકી એક રિપોર્ટ પોઝિટિવ છે. એ જ રીતે ચિકન ગુનિયાના ૧૪ શંકાસ્પદ કેસ હતા, જે પૈકી એકેય રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.