સાત મહિનામાં કુલ ૭,૪૫૮ કાર્યક્રમોની બુકિંગ નોંધાતા રૂ. ૧૩,૮૧,૬૦,૦૩૭ની આવક પ્રાપ્ત
લગ્ન અને વિવિધ સામાજિક કાર્યક્રમોની સીઝન દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલના વધતા ભાડા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત લગ્ન હોલ, કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ શહેરવાસીઓ માટે વિશ્વસનીય અને આર્થિક રીતે સુલભ વિકલ્પ બની રહ્યા છે. ૧ ઓગસ્ટ ૨૦૨૫થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કુલ ૭,૪૫૮ કાર્યક્રમોની બુકિંગ નોંધાતા એએમસીને રૂ. ૧૩,૮૧,૬૦,૦૩૭ની આવક પ્રાપ્ત થઈ છે, જે આ સુવિધાઓની વધતી લોકપ્રિયતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઉત્તર, મધ્ય, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ એમ સાત ઝોનમાં દ્વારા કુલ ૯૫ કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ, પિકનિક હાઉસ અને ઓપન એર થિયેટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી હાલ ૮૨ સુવિધાઓ કાર્યરત છે જ્યારે ૧૩ સ્થળોએ નવીનીકરણની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકોને રૂ. ૫,૦૦૦ થી રૂ. ૭૦,૦૦૦ સુધીના રાહત દરે સુવ્યવસ્થિત માળખા સાથે આ હોલ અને પ્લોટ ઉપલબ્ધ થવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને નોંધપાત્ર આર્થિક રાહત મળી રહી છે.
આ કોમ્યુનિટી હોલ, હોલ અને પાર્ટી પ્લોટનો ઉપયોગ લગ્ન, રિસેપ્શન, ધાર્મિક કાર્યક્રમો, સામાજિક સેમિનાર, બેઠકો, ડિસ્ટ્રીબ્યુશન ગેટ-ટુ-ગેધર, સામાજિક ગેટ-ટુગેધર, શાળા-શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બેસણા, જન્મદિવસ સમારંભ, કિટી પાર્ટી, કોર્પોરેટ મીટિંગ, પ્રદર્શનો (એકઝિબિશન) સહિત વિવિધ હેતુઓ માટે વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે.
ઝોન પ્રમાણે આંકડા દર્શાવે છે કે, તારીખ ૧ આૅગસ્ટ ૨૦૨૫થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ શહેરના કુલ સાત ઝોનમાં આવેલા પાર્ટી પ્લોટ્સ અને કોમ્યુનિટી હોલ્સમાંથી નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે. મધ્ય ઝોનમાં આવેલા ૧૧ પાર્ટી પ્લોટ્સ તથા કોમ્યુનિટી હોલ્સમાં કુલ ૭૪૪ બુકિંગ નોંધાયા હતા, જેનાથી એએમસીને રૂ. ૬૫,૩૮,૭૫૦ની આવક થઈ છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં પાર્ટી પ્લોટ્સ, કોમ્યુનિટી હોલ્સ, કોન્ફરન્સ રૂમ, બેન્ક્વેટ હોલ્સ અને ઓડિટોરિયમ સહિત કુલ ૧૮ સ્થળો ઉપલબ્ધ છે, જ્યાંથી ૬૭૮ બુકિંગ થકી રૂ. ૧,૨૫,૬૦,૧૨૫ની આવક નોંધાઈ છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં કુલ ૯ બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ્સ અને કોમ્યુનિટી હોલ્સમાં ૯૩૧ કાર્યક્રમોની બુકિંગથી એએમસીને રૂ. ૩,૧૫,૦૫,૨૫૦ની આવક થઈ છે. તેમજ ઉત્તર ઝોનના કુલ ૧૪ પાર્ટી પ્લોટ્સ, અને હોલમાંથી કુલ ૧૨૩૮ કાર્યક્રમોની બુકિંગ થઈ અને રૂ. ૧,૯૮,૭૭,૭૦૦ની આવક થઈ છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૬ કોમ્યુનિટી હોલ્સ અને પાર્ટી પ્લોટ્સમાંથી ૪૯૮ બુકિંગ દ્વારા રૂ. ૧,૪૩,૦૬,૭૫૦ની આવક નોંધાઈ છે. દક્ષિણ ઝોનમાં આવેલા ૧૮ પાર્ટી પ્લોટ્સ, ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ્સમાં છેલ્લા સાત મહિનામાં ૧,૬૭૪ બુકિંગ નોંધાયા, જેમાંથી રૂ. ૨,૪૮,૮૦,૧૫૦ની આવક થઈ છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલા ૧૯ કોમ્યુનિટી હોલ્સ અને પાર્ટી પ્લોટ્સમાં ૧,૬૯૫ બુકિંગ થકી રૂ. ૨,૮૪,૯૧,૩૧૨ની આવક પ્રાપ્ત થઈ છે. આમ, શહેરના કુલ સાત ઝોનમાં ૭,૪૫૮ કાર્યક્રમોની નોંધણી થઈ જેમાં લગ્ન સમારંભો ઉપરાંત વિવિધ સામાજિક, ધાર્મિક અને વ્યવસાયિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને તમામ ઝોનમાંથી ને કુલ રૂ. ૧૩,૮૧,૬૦,૦૩૭ની આવક પ્રાપ્ત થઈ હોવાનું નોંધાયું છે.
લગ્ન સીઝનમાં પાર્ટી પ્લોટની વધતી માંગ વચ્ચે એએમસીના રાહત દરે ઉપલબ્ધ સ્થળો સામાન્ય પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. એટલું જ નહીં, શહેરમાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે યોજાઈ શકે અને દરેક વર્ગને સમાન તક મળે તે દિશામાં એએમસીની આ પહેલ મહત્વપૂર્ણ અને લોકકેન્દ્રિત પગલું સાબિત થઈ રહી છે.
આ ઉપરાંત બજેટ-૨૦૨૬-૨૭ માં વધુ ૫ નવા આધુનિક ઓપન પાર્ટી પ્લોટ રૂ. ૧૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. શહેરના ભૌગોલિક વિસ્તારમાં થયેલા વિસ્તરણ અને વસ્તીમાં થયેલા નોંધપાત્ર વધારાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે બજેટ ૨૦૨૬માં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદનો વિસ્તાર વધીને હવે ૪૮૦.૮૮ ચોરસ કિલોમીટર થયો છે, ત્યારે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રસંગોની ઉજવણી માટે શહેરના બોપલ, કઠવાડા, ચિલોડા, નિકોલ અને લાંભા વિસ્તારોમાં નવા આધુનિક ઓપન પાર્ટી પ્લોટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે અંદાજપત્રમાં રૂ. ૧૫ કરોડની રકમ ફાળવવાનો ઠરાવ પસાર કરાયો છે.










































