અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સોમવારે ૨૨ જાન્યુઆરીએ થનારી પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં સમગ્ર ભારત રામમય બની ગયું છે. ભારતમાં જ નહીં પણ ભારતની બહાર રહેતા હિંદુઓમાં પણ ભારે ઉત્સાહ છે. હિંદુઓ માટે ભગવાન રામ શ્રધ્ધેય છે, મહાન આદર્શ છે તેથી આ ઉત્સાહ સ્વાભાવિક છે.
શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે હિંદુઓની એક લાંબી લડાઈમાં ઐતિહાસિક પડાવ આવ્યો છે. ભારત પર મુસ્લિમોએ આક્રમણ કર્યાં ત્યારે હિંદુ મંદિરોને નિશાન બનાવીને તેમને ધ્વંશ કર્યાં હતાં. મોહમ્મદ ઘોરી, મહમૂદ ગઝની, બાબર વગેરે આક્રમણખોરોના આક્રમણ સમયે દેશભરમાં આવાં સેંકડો મંદિરો તોડી નંખાયાં હતાં. જેમના વંશજો ભારતમાં જ રહી ગયા ને ભારતમાં શાસન કર્યું તેમણે પણ આ જ ધંધો કર્યો. ઔરંગઝેબ તેનું ઝળહળતું ઉદાહરણ છે કે જેણે સંખ્યાબંધ મંદિરો તોડી નાખ્યાં હતાં. મુસ્લિમોએ જે કર્યું એ અસહિષ્ણુતા હતી, અસભ્યતા હતી, જંગલીપણું હતું.
અયોધ્યાનું રામ જન્મભૂમિ મંદિર પાછું મેળવવાની હિંદુઓની લડત આ અસહિષ્ણુતા ને જંગલીપણા સામેનો જંગ હતો. હિંદુઓ આ જંગમાં એક તરફ કાનૂની જંગ લડ્‌યા ને બીજી તરફ રાજકીય જંગ પણ લડ્‌યા. રાજકીય જંગના કારણે હિંદુઓમાં જાગૃતિ આવી ને તેના કારણે રામ જન્મભૂમિ મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાયેલી એ સાબિત કરવા હિંદુઓએ જડબેસલાક પુરાવા શોધ્યા. તેના કારણે હિંદુઓની તરફેણમાં ચુકાદો આવ્યો ને રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો. શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હિંદુઓના જંગની જીતનો જશ્ન છે.
રામજન્મભૂમિ મંદિર કોણે તોડાવેલું ?
મોગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બકીએ ૧૫૨૮માં અયોધ્યા પર હુમલો કર્યો ત્યારે રામજન્મભૂમિ મંદિર તોડીને મસ્જિદ બનાવી એવો ઉલ્લેખ મૌલવી અબ્દુલ કરીમે પર્શિયનમાં લખેલા પુસ્તકમાં છે. બકી તાશ્કંદી ઉર્ફે મીર બકીએ રામ જન્મભૂમિ મંદિર તોડ્‌યું એ વખતે મંદિરનો ભારે મહિમા હતો. હિંદુઓને ભગવાન રામમાં ભારે આસ્થા હતી. આ આસ્થા પર ઘા કરવા અને હિંદુઓના ભગવાનને કોઈ બચાવી નહીં શકે એવું સ્થાપિત કરવા રામમંદિર તોડાયેલું.
રામ જન્મભૂમિ મંદિરને ધ્વંશ કરવા પાછળની હકીકત મૌલવી અબ્દુલ કરીમે પોતાના પુસ્તકમાં લખી છે. મૌલવી અબ્દુલ કરીમના પૌત્ર મૌલવી ગફ્‌ફારે પસ્તકનો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે. ૧૯૩૨માં છપાયેલું ઉર્દૂ પુસ્તક અયોધ્યાના લાલા સીતારામ પાસે સચવાયેલું છે. રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન આ પુસ્તક પુરાવા તરીકે રજૂ પણ કરાયું હતું. આ પુસ્તકમાં કરાયેલા દાવા પ્રમાણે, ૧૫૨૫માં બાબરે ભારત પર આક્રમણ કર્યું પણ હારીને પાછા ફરવું પડેલું. ૧૫૨૬માં તેણે ફરી આક્રમણ કર્યું ને પાણીપતના યુધ્ધમાં ઈબ્રાહીમ લોદીને હરાવીને દિલ્લીની ગાદી કબજે કરી એ પહેલાં કલંદર નામનો સૂફી સંત બનીને અયોધ્યા આવેલો. બાબરને લોદીને હરાવવા સ્થાનિક મુસ્લિમોનું સમર્થન જોઈતું હતું તેથી શાહ જલાલ તથા સૈયદ મુસા આશિકાન નામના મૌલવીઓને મળ્યો હતો. બંને મૌલવીઓએ બાબરને મદદની ખાતરીના બદલામાં અયોધ્યાનું રામ જન્મભૂમિ મંદિર તોડવાની શરત મૂકી. બાબરે શરત સ્વીકતારતાં ભારતના મુસ્લિમોએ તેને મદદ કરી. તેના કારણે બાબરે ઈબ્રાહીમ લોદીને હરાવીને મુગલ સલ્તનતની સ્થાપના કરી. દિલ્લીમાં મોગલ સલ્તનતની સ્થાપના પછી મીર બકીને મોકલીને બાબરે રામ જન્મભૂમિ મંદિર તોડાવીને ત્યાં મસ્જિદ બનાવડાવી. આ મસ્જિદનું નામ બાબર પરથી બાબરી રખાયું એવી માન્યતા છે પણ એવું કહેવાય છે કે, બાબરને બાબરી નામના યુવક સાથે સજાતિય સંબંધ હતા તેથી તેના પરથી બાબરી મસ્જિદ નામ રખાયું.
રામ જન્મભૂમિ હિંદુઓને મળી તેમાં યોગી આદિત્યનાથના ગોરખપુર મઠનું યોગદાન બહુ મોટું છે. બલ્કે રામમંદિરની અસલી ઝુંબેશ જ ગોરખપુર અખાડાએ શરૂ કરી અને અખાડાના મહંત દિગ્વિજય નાથ રામમંદિરના પ્રણેતા હતા કેમ કે અયોધ્યાના મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પહેલી વાર સ્થાપના દિગ્વિજય નાથે કરેલી.
અંગ્રેજોના શાસન વખતે હિંદુઓએ રામમંદિરની માગણી શરૂ કરી તેના કારણે અયોધ્યામાં હિંદુ અને મુસ્લિમોનો જંગ ૧૯મી સદીમાં શરૂ થઈ ગયેલો. અયોધ્યામાં હનુમાનગઢીમંદિર તોડીને પણ મસ્જિદ બનાવાઈ છે. આ મુદ્દે ૧૮૫૦માં રમખાણો થયાં ત્યારે બાબરી મસ્જિદ તોડવા હિંદુઓ હથિયારો લઈને નિકળેલા પણ અંગ્રેજોની પોલીસે તેમને વિખેરી નાંખેલા.
મહંત રઘુબર રામે ૧૮૮૫માં મસ્જિદના સ્થાને રામમંદિર બનાવવાની મંજૂરી ફૈઝાબાદ કોર્ટ પાસે માગી એ સાથે કાનૂની જંગ શરૂ થયો. આઝાદી પહેલાં દિગ્વિજય નાથે તેને પ્રચંડ આંદોલનમાં ફેરવવાનો તખ્તો તૈયાર કર્યો. ૧૯૪૬માં હિંદુ મહાસભા તથા ગોરખનાથ અખાડાએ અયોધ્યામાં રામાયણ મહાસભા ભરીને રામમંદિર ચળવળ શરૂ કરી હતી.
મહંત દિગ્વિજય નાથ ચળવળના ભાગરૂપે ૧૯૪૯માં અયોધ્યામાં રામમંદિર પાસે રામચરિત માનસનો પાઠ રાખ્યો હતો ત્યારે જ ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ ભગવાન રામની મૂર્તિ મસ્જિદમાંથી નીકળી. દિગ્વિજય નાથે આ મૂર્તિઓને ગર્ભગૃહમાં સ્થાપિત કરીને બાબરી મસ્જિદને રામ લલ્લાનું મંદિર જાહેર કરી દીધેલું. મસ્જિદમાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરાઈ ત્યારે મુસ્લિમોએ આક્ષેપ મૂકેલો કે, હિંદુઓએ રાત્રે મૂર્તિ મસ્જિદમાં દાટીને મૂર્તિ પ્રગટ થઈ હોવાનું નાટક કર્યું હતું.
૨૩ ડિસેમ્બરે વિવાદિત સ્થળે મુખ્ય ઘુમ્મટ નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપવામાં આવી એ અંગે ફરિયાદ દાખલ થઈ પછી જવાહરલાલ નહેરૂએ ત્યારે આદેશ આપેલો કે, રામલલ્લાની મૂર્તિઓને દૂર કરીને મસ્જિદને તાળું મારી દેવાય પણ ફૈઝાબાદના કલેક્ટર કે.કે.નાયરે નહેરૂનો આદેશ નહોતો માન્યો. નહેરૂએ નાયરને સસ્પેન્ડ કરાવી દીધા ને પોલીસને મૂર્તિઓ દૂર કરાવીને તાળું મારવા મોકલી. પોલીસ ગઈ ખરી પણ નાયરે પોલીસને મૂર્તિઓ દૂર ના કરવા દીધી. બહાર લોકોનાં ટોળાં જામવા માંડેલાં તેથી પોલીસ તાળું મારીને ભાગી ગઈ ને મૂર્તિઓ અંદર જ રહી ગઈ.
કેરળના કે.કે. નાયરે એ રીતે રામમંદિરમાંથી મૂર્તિઓને દૂર નહોતી થવા દીધી. નાયર ૧૯૫૨માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વકીલ બન્યા અને અલાહાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદે અલાહાબાદ હાઈકોર્ટમાં પૂજાની મંજૂરી માગતો કેસ કર્યો ત્યારે રામલલ્લા તેમના વતી કેસ લડ્‌યા હતા. નાયર હાઈકોર્ટમાંથી મંજૂરી લઈ આવ્યા ને એ રીતે રામલલ્લાની પૂજા શરૂ થઈ.
આ બધાં કારણે નાયર કેરળના હોવાં છતાં ૧૯૬૭માં ઉત્તર પ્રદેશની બહરાઈચ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. રામ જન્મભૂમિ હિંદુઓને મળી તેમાં આર્કીઓલોજીસ્ટ સર્વે ઓફ ઇન્ડીયા (એએસઆઈ)ના યોગદાનને પણ ના ભૂલી શકાય કેમ કે મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાના પુરાવા એએસઆઈએ જ આપેલા. રામ જન્મભૂમિ પર બૌધ્ધધર્મીઓનો પણ દાવો હતો કેમ કે ૧૯૬૦ના દાયકામાં બનારસ યુનિવર્સિટીના પુરાતત્વવિદ અવધ કિશોર નારાયણે અયોધ્યામાં ૩૭૦૦ વર્ષ જૂના અવશેષો શોધેલા. આ અવશેષોના આધારે અયોધ્યા બૌધ્ધ કેન્દ્ર હોવાનો દાવો કરાતો હતો.
એએસઆઈના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ બી.બી. લાલે ૧૯૭૪માં અયોધ્યામાં વિવાદાસ્પદ મનાતા સંકુલની ભૂમિનું ખોદકામ શરૂ કરાવ્યું હતું. રામાયણમાં અયોધ્યાના જે ૧૪ સ્થળોનો ઉલ્લેખ છે તેનું ખોદકામ લાલે શરૂ કરાવ્યું ત્યારે વિવાદ ટાળવા અને વિશ્વસનિયતા જાળવવા વિશ્વખ્યાત તોજો રડાર ગ્રેડિંગ કંપનીને કામ સોંપેલું. ૧૦ વર્ષ સુધી મસ્જિદની બહાર અને પછી બાબરી મસ્જીદની જમીનમાં ખોદકામ કરીને લાલે બાબરી મસ્જીદની નીચે ભગવાન રામના મંદિરના અવશેષો છે એવો રીપોર્ટ આપ્યો હતો પણ આ રીપોર્ટને દબાવી દેવાયો હતો.
બાબરી ધ્વંશ પછી આ કેસ શરૂ થયા ત્યારે લાલે ૨૦૦૩માં અલાહાબાદ કોર્ટને પોતાના રીપોર્ટના પુરાવા સોંપીને કહેલું કે, પોતે તો ૧૯૮૬માં જ સાબિત કરી દીધું હતું કે અયોધ્યા રામ અને રામાયણની નગરી છે. લાલની જુબાનીના આધારે અલાહાબાદ હાઇકોર્ટે બાબરી મસ્જીદની જમીનના ખોદકામનાં આદેશ આપ્યા. પુરાતત્વ વિભાગે મુસ્લિમ મજૂરો તથા પુરાતત્વવિદોને સાથે રાખીને કરેલા ખોદકામમાં બાબરી મસ્જિદ નીચે રામમંદિર હતું તેના વધુ પુરાવા મળ્યા અને રામ જન્મભૂમિ હિંદુઓને મળી. રામમંદિર બે-ત્રણ વર્ષમાં નથી બની ગયું પણ બે સદીની મહેનત પછી બન્યું છે.
કમમસીબે આ બે સદી સુધી મહેનત કરનારા મોટા ભાગનાં લોકો ભૂલાઈ ગયા છે. તેમનો ઉલ્લેખ કરવાની પણ કોઈ તસદી લેતું નથી. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે બનાવેલી નિમંત્રણ પત્રિકામાં પણ આ પૈકી મોટા ભાગનાં લોકોનો કે તેમના યોગદાનનો ઉલ્લેખ નથી. રામમંદિરની મહાન ચળવળને શરૂ કરનારા અસલી નાયકોને બદલે બીજા લોકોને જ જશ અપાઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, રામમંદિરની ચળવળને સમગ્ર દેશમાં પહોંચાડનારા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સાધ્વી ઋતંભરા, અશોક સિંઘલ, આચાર્ય ગિરિરાજ કિશોર, વિનય કટિયાર જેવા લોકોને પણ યાદ કરાઈ નથી રહ્યા.