અમદાવાદના સોલામાં ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં પાટીદારોને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, પટલાઇ આપણા લોહીમાં છે. પટલાઇમાં આપણું પુરૂ ન થઇ જાય તેનું ધ્યાન રાખજો. આ પટલાઇમાં પુરૂ ન કરવું હોય તો માત્ર પાટીદાર નહીં આપણે સૌએ સરદાર બનવું પડશે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સમાજના આગેવાનોને પરેશ ટકોર કરતા કહ્યું કે, સમાજ થકી નેતા પેદા થાય તેના થકી સમાજ નહીં. મહત્વનું છે કે આ પહેલા નરેશ પટેલે પણ કહ્યું હતું કે, ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવો જાઇએ…સરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવો જાઇએ.રાજકીય પકડ નહીં વધે તો આપણને કોઈ ગણશે જ નહીં.
અમદાવાદમાં ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ ૩ દિવસ સુધી યોજાઈ રહ્યો છે. સોલા ઉમિયાધામ કેમ્પસમાં ૭૪ હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત ૧૫૦૦ કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ૧૩ માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડીંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં ૪૦૦થી વધારે રૂમ બનાવાશે. જેમાં ૨૦૦થી વધારે ભાઈ-બહેનો રહી શકશે. અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. સોલા ઉમિયાધામ કેમ્પસમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે. ઉમિયાધામ કેમ્પસમાં અંદાજિત ૫૨ સ્કેવર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભા વધારે તેવો બેન્ક્‌વેટ હોલ બનાવવા છે. ઉમિયા ધામમાં ભોજન અને રહેવાની સુવિધા બનાવાશે. અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે. મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે. ઉમિયાધામની મુલાકાતે આવતા ભક્તોના વાહન પાર્ક કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવશે જેમાં હજારો ગાડીઓ પાર્ક થઇ શકશે.