હિસાબ કિતાબ શબ્દ બહુ પ્રચલિત છે. કુટુંબ, પરિવાર, પેઢી, સમાજ, સંસ્થા વગેરે દરેક જગ્યાએ ડગલેને પગલે હિસાબ કરવો પડે છે. માણસ માણસ વચ્ચેના વહેવારોમાં અવારનવાર હિસાબની વાત આવે છે. હિસાબ કરવો અથવા અને હિસાબ રાખવો એ બંનેમાં ખૂબ તફાવત છે. અમુક લોકો જીણી ઝીણી વાતોનો સતત હિસાબ રાખતા હોય છે. જ્યારે અમુક દરિયાદીલ લોકો આવી જીણી ઝીણી વાતોને નજર અંદાજ કરતા હોય છે. જીવનમાં ગણિત જરૂરી છે પણ સંબંધોમાં ગણિત બિનજરૂરી છે. વહેવારીક બાબતોમાં હિસાબ જરૂરી છે પણ સ્નેહભર્યા સંબંધોમાં આવા હિસાબની ગણતરી હોતી નથી. સમય હોય કે સંપત્તિ હોય હિસાબ શુ રાખવો. મળેલા કરતા ના મળેલું હોય તેનો હિસાબ રાખશો તો હસી-ખુશીને બદલે ઉદાસી, અફસોસ અને અસંતોષ સિવાય કશું મળવાનું નથી. જે મળેલું હોય તેને માણી લેવાનું અને ના મળ્યું હોય તેના માટે વલખા ન મારવા. જ્યાં, જેવું, જેટલું અને જે સમયે મળેલું હોય ત્યાં, તેવું અને તેટલું માણી લેવું એ જ સાચું સુખ છે. જરૂર મુજબનું જ નહીં પણ અનાયાસે મળેલુ ભલેને હોય,તો પણ મોજથી માણી લેવું એ જ ક્ષણો આપણી છે. બાકીની વસવસો કે અફસોસની પળો પીડાદાયક છે. હિસાબને લગતી કેટલીક લાજવાબ પંક્તિઓ જોઈએ. સમયના નિરંતર પ્રવાહમાં આપણાં થોડાક વર્ષોનો હિસાબ શું રાખવો? ભરીભરીને આપ્યું છે જિંદગીએ, જે ન મળ્યું તેનો હિસાબ શું રાખવો? આવનાર હરેક દિવસ પ્રકાશમાન છે, ત્યારે રાત્રિના અંધકારનો હિસાબ શું રાખવો? આનંદની બે ક્ષણ કાફી છે – જીવવા માટે, ઉદાસીની ક્ષણોનો હિસાબ શું રાખવો? મધુર યાદોનો ખજાનો છે હ્રદયમાં, દુઃખદાયક વાતોનો હિસાબ શું રાખવો? મળ્યાં છે ફૂલ કેટલાં સ્વજનો પાસેથી, કાંટાના જખમનો હિસાબ શું રાખવો? જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ, તો મળવા, ન મળવાનો હિસાબ શું રાખવો?
વળી સંબંધોમાં બે પાંચ ઠેકાણા એવા પણ હોવા જોઈએ જ્યાં કોઈ બાબતનો હિસાબ ના રખાય. વસ્તુ કરતા આપણા માટે આવી વ્યક્તિ મહત્વની હોય છે. સંપત્તિ કરતા એને આપેલો સમય મહત્વનો હોય છે. સત્તા કરતા પણ સેવા મહત્વની હોય છે. આવા મળવા જેવા અને યાદ રાખવા જેવા ઠેકાણા જ ખરા સમયના હોંકારા હોય છે. સ્વજનો પાસેથી મળેલી ફૂલોની સુવાસ જેવી કાળજી સમય સંજોગોએ ઉભી કરેલી કાંટાની વાડના ઉઝરડાને રુજાવવા માટે મલમ જેવું કામ કરે છે. આમ તમે થોડું ઉદાર મન રાખીને વિચારો તો સમજાશે કે અખિલ બ્રહ્માંડના માલિકની માળાનો હિસાબ શું રાખવો? માતા પિતાની સેવાનો હિસાબ શું રાખવો? ભાઈ, બહેન અને ભાર્યા સાથે વહેવારોનો હિસાબ શુ રાખવો? ગુરુને આપેલી દક્ષિણાનો અને સેવક કે શિષ્યને આપેલી સાચી સમજણનો હિસાબ શું રાખવો? સખા, સંતાનો, સંતો અને સત્કાર્યો માટે ખર્ચેલા નાણાનો હિસાબ શું રાખવો? આટલા વ્યક્તિઓ સાથે હિસાબ રાખવાનો કોઈ મતલબ નથી. અને જ્યાં માત્ર મતલબ જ હોય ત્યાં જ ગણતરી અને ફાલતુ હિસાબો થતા હોય છે. બાકી તો રૂદીયામાં રહેલો રામ જા રિજે અને મનની મોકળાશથી અને દિલની દાતારીથી કૈક આપણી યથાશક્તિ મુજબનું આપી દો. ક્યાંક થોડું વાપરી નાખો, હંમેશા જતું કરો, નફરતને ફેંકી દો અને પરમાર્થને પકડી રાખો. ગુમાવ્યાનો અફસોસ નહિ ને માત્ર જે મળ્યા છે એને જાળવી રાખો. એવા પાત્રો જ આપણી જિંદગીનો હિસ્સો છે અને ખાસ આવા પાત્રો જ આપણું જીવન છે. બસ હિસાબની પળોજણમાં પડ્‌યા વિના બેહિસાબ જીવનની મજા પણ કંઈક અલગ જ છે. કોઈનો હિસાબ રાખવા કરતા કોઈના દુઃખનો હિસ્સો બનીને જીવશો તો સારપની સુવાસ ફેલાશે.સંબંધોમાં ના રાખો હિસાબ નફા ખોટનો, સંબંધોનું ગણિત તો કાચુ જ સારું સાહેબ!