મ ધમાખી પાલન એટલે કે મધમાખીઓનો વૈજ્ઞાનિક પધ્ધતિએ ઉછેર જે માનવીને બે પ્રકારના લાભ પુરા પાડે છે. પ્રથમ તો એ આપણને મીઠું મધુરુ અને પૌષ્ટિક મધ આપે છે અને બીજુ તે વનસ્પતિના પરાગનયનમાં ઉપયોગી છે. મધમાખી પાલન એક રસપ્રદ પ્રવૃતિની સાથે સાથે કૃષિ સંલગ્ન એક એવી પ્રવૃતિ છે જે ગ્રામ્ય વિસ્તારના લોકોને આવક/રોજગારી પુરી પાડી શકે છે. ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક ડો. સ્વામીનાથનના જણાવ્યા મુજબ ભારતે હવે ઓછી જમીનમાં ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવું પડશે અને આ વધારાનું ઉત્પાદન એવી તકનીકી/તાંત્રિકતાથી મેળવવું પડશે કે જે પર્યાવરણ પ્રિય અને ટકાઉ હોય. મધમાખી ઉછેર એ એવી પ્રવૃતિ છે જેમાં કુદરત દ્વારા આપણને મળેલ ફૂલોનો રસ અને પરાગરજ કે જે અત્યાર સુધી નકામું જતુ હતું તેનો ઉપયોગ કરી કુદરતને હાનિ કર્યા વગર દેશનું કૃષિ ઉત્પાદન વધારી શકીએ છીએ.
મધમાખી પાલનને કોઈ ખાસ પ્રકારની જમીનની જરૂરીયાત નથી. મધપેટીને પડતર જમીન પર, જંગલમાં, ખેતરની ફરતે, રોડ, નહેર, રેલ્વે લાઈનની બાજુમાં કોઈ પણ જગ્યાએ મૂકી શકાય છે. આ વ્યવસાય કૃષિ સાથે કોઈપણ જાતના વધારાના ઘટકો આપ્યા સિવાય સંકલિત કરી શકીએ છીએ. મધમાખી પાલનનો વ્યવસાય બેરોજગાર, અર્ધરોજગાર, જમીન વિહોણા ગ્રામ્ય લોકો અને મજૂર વર્ગને રોજગારી પુરી પાડી શકે છે. મહાત્મા ગાંધીજીએ મધમાખી વ્યવસાયની ગ્રામ્ય વિકાસમાં અગત્યતા સમજીને આ પ્રવૃત્તિને ગ્રામ્ય વિકાસ કાર્યક્રમમાં સાંકળી લઈ સ્વાતંત્રતા સેનાનીઓને આ વ્યવસાયને જીવન નિર્વાહની પ્રવૃતિ તરીકે અપનાવવા તૈયાર હતા.
ગુજરાત રાજય જુદા જુદા આઠ આબોહવાકીય વિસ્તારમાં વહેંચાયેલું છે. ભારત દેશના અન્ય ભાગોમાં જોવા મળતી જમીન, પાક, વરસાદ અને હવામાનની વિવિધતા ગુજરાતમાં પણ છે. ગુજરાતમાં ફૂલોનો રસ અને પરાગ ધરાવતા વિવિધ પાકોની હાજરી અને મધમાખીની ત્રણ પ્રજાતિની હાજરી મધમાખી ઉછેરની ભરપુર શક્યતાઓ દર્શાવે છે. ગુજરાતમાં મધમાખીની ત્રણ પ્રજાતિઓ જેવી કે ભમરીયા મધમાખી (રોકબી), ભારતીય મધમાખી (ઇન્ડિયન બી) તથા નાની માખી (લિટલ બી) સાથે સાથે ઘુસ્યુ મધ (ડેમર બી) અને અન્ય માખી (સોલિટરી બી) કુદરતી અવસ્થામાં મળે છે. જેમાં ભમરીયા મધમાખી મુખ્ય છે.
ગુજરાત રાજયની પૂર્વ પટ્ટી જંગલોથી ભરપુર છે. ગુજરાતમાં તુવેર, મકાઈ, બાજરા, કપાસ, દિવેલા, તલ, રાયડો, ધાણા, વરીયાળી, અજમો, સુવા, ખરસાણી, વેલાવાળા શાકભાજી, નાળીયેરી, જમરૂખ, લીંબુ, દાડમ વગેરે ઉગાડવામાં આવે છે. આ બધા જ પાકો મધમાખીને ફૂલનો રસ કે પરાગરજ પુરી પાડે છે જે મધમાખી ઉછેર માટે ખૂબજ અનુકૂળ છે. આવા વિસ્તારમાં પાકમાં ફૂલ આવવાના સમયે મધમાખીઓનું સ્થળાંતર કરી મધ ઉત્પાદન મેળવી શકાય છે.
દક્ષિણ ગુજરાતમાં સમગ્ર ડાંગ જિલ્લો અને વલસાડ, નવસારી અને સુરત જિલ્લાની પૂર્વ પટ્ટીમાં (વાંસદા, ધરમપુર, વ્યારા, મહુવા, વાલોડ વિગેરે) લગભગ ૪૦ ટકા જેટલા વિસ્તારમાં જંગલો છે. આ ઉપરાંત વલસાડ જિલ્લો એ વાડીઓના હૃદયસમો વિસ્તાર છે. વધુમાં પિયતની વધતી જતી સગવડતાથી બાગાયતી પાકોનો વિસ્તાર પણ વધ્યો છે.
મધમાખી ઉછેરની વાત કરીએ તો ગુજરાતમાં આ પ્રવૃતિની શરૂઆત થઈ ચુકી છે તે ઝડપથી વિસ્તાર પામી રહી છે. પરંતુ હજી પણ તે રાજયમાં છુટુછવાયું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ (ફણસવાડા, પારડી) જિલ્લાના કેટલાંક ખેડૂતો મધમાખી પાલન કરતાં થયા છે. જુનાગઢ ખાતે માંગરોળમાં શારદાગ્રામમાં પણ મધમાખી ઉછેર કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૫-૯૬માં દેવી તાલુકામાં મધુમાખી પાલકોએ સારી સફળતા મેળવી હતી. કચ્છ જિલ્લાના માંડવીમાં વિવેકાનંદ ઈન્સ્ટીટયુટે પણ ઈટાલિયન મધમાખીને સ્થાયી કરવાના પ્રયત્નમાં સફળતા મેળવી હતી. કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા પણ ઈટાલીયન મધમાખી અને ભારતીય મધમાખીને સ્થાયી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષથી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મધમાખી ઉછેરનું સંશોધન શરૂ કર્યા બાદ તેના પરિણામોના આધારે, નવસારી કૃષિ યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ઉત્સાહી મધમાખી પાલકોના પ્રયત્નથી મધમાખી પાલન ખૂબ જ ઝડપથી આગળ વધી રહયું છે. દક્ષિણ ગુજરાતમાં હાલમાં ૩૦ જેટલાં મધમાખી પાલકો મધમાખી પાલન કરી રહયા છે. દક્ષિણ ગુજરાતમાં મધમાખી પાલકો અને તેમાં રસ ધરાવતાં લોકોનું સંગઠન બનાવવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૦૯-૧૦માં જમ્મુથી આઠ ઈટાલીયન માખીની વસાહતો લાવીને કરેલી શરૂઆત આજે જુદા-જુદા મધુપાલકો ૧૦૦૦ થી વધુ મધપેટીઓ ધરાવતા થયા છે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ખાદી ગ્રામોદ્યોગ આયોગના સહયોગમાં ગુજરાત રાજ્યનું મધમાખી ઉછેર અને તાલિમ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. મધમાખી ઉછેર બાબતે નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે વર્ષ ૨૦૦૩-૦૪ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારતીય મધમાખી (એપિસ સેરેના)ની ઉછેરની શક્યતાઓ વિશે સંશોધન હાથ ધરવામાં આવ્યુ હતું. સૌરાષ્ટ્રમાં ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ ઋતુમાં મધમાખીને અનુકૂળ આવે તેવા પાકોનું વાવેતર થાય છે. જેથી હાલમાં આશરે ૧૫ જેટલા મધમાખી પાલકો નાના મોટા પાયે તેની ખેતી કરે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગમાં પણ યોજના આધારિત તાલીમ અને સંશોધનનું કાર્ય કરવામાં આવે છે.
માખીના ઈંડા, બચ્ચા અને કોશેટા ઉછેરની ક્ષમતા તેમજ પરાગ અને મધ ભેગુ કરવાની ક્ષમતા ઉનાળામાં સતત ઘટતી જઈ ચોમાસાની શરૂઆતમાં સૌથી ઓછી જોવા મળે છે. આ ક્ષમતા ચોમાસાના મધ્યભાગ (સપ્ટેમ્બર)થી વધવાની શરૂ થઈ શિયાળામાં (જાન્યુઆરી અને ફેબ્રુઆરી) દરમ્યાન સૌથી વધુ જોવા મળે છે. શિયાળાની ઋતુ મધમાખીની પ્રવૃતિ માટે શ્રેષ્ઠ ગણાવી શકાય. શિયાળાની ઋતુમાં નિલગિરી, જમરૂખ, તલ, રાયડો, બોર વગેરે જેવા પાકોમાં ફૂલ વધુ મળી રહે છે. તેથી મધમાખી ઉછેર સરળ બને છે.
મધમાખી દ્વારા ખરસાણીના પાકમાં પરાગનયનની શકયતાના અભ્યાસ દ્વારા જણવા મળ્યુ કે ફકત ભારતીય મધમાખી દ્વારા પરાગનયનથી પાકના ઉત્પાદનમાં વધારો થાય છે.
• ગુજરાતમાં મધમાખી ઉછેરમાં મુશ્કેલીઓઃ
• મધમાખી ઉછેરમાં ભુતકાળમાં ખાસ કોઈ સંશોધન થયું નહોતું કેટલાંક ઉત્સાહી મધમાખી પાલકો પોતાની જાતે મધપેટીઓ લાવ્યા પણ વૈજ્ઞાનિક ઢબે ઉછેરના અભાવે તેઓ મધમાખી ઉછેર આગળ વધારી શકયા નહિ.
• મધમાખી ઉછેરમાં આપણી પાસે તાલીમ પામેલ વ્યક્તિઓ ખૂબ જ ઓછી છે.
• કૃષિ અને અન્ય સંલગ્ન વિભાગો વચ્ચે મધમાખી ઉછેર માટેના સંક્લનનો અભાવ છે.
• જંગલ વિસ્તાર ઘટતો જાય છે અને તેમાં માનવીની અવર જવર વધતી જાય છે.
• મધમાખીની કુદરતી રહેઠાણની જગ્યાઓનો નાશ થતો જાય છે.
• મધ પાડનાર લોકો દ્વારા બિન વૈજ્ઞાનિક પદ્ધતિથી મધ પાડવામાં આવે છે. જેમાં આખી વસાહતનો નાશ થાય છે.
• ખેતી પાકોમાં રાસાયણિક જંતુનાશકનો ખાસ કરીને પાકમાં ફૂલ આવ્યા હોય ત્યારે આડેધડ વપરાશ થાય છે.
• જુલાઈ – ઓગષ્ટ માસમાં મધમાખીને ઉપયોગી વનસ્પતિની અછત હોય છે અને વધુ પડતો વરસાદ હોય છે.
• અપુરતી તાલીમના કારણે ઋતુ મુજબ મધમાખી ઉછેરના વ્યવસ્થાપનનો અભાવ રહે છે.
• ભારતીય મધમાખીમાં મીણના ફૂદાંનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
• જુદા જુદા વિસ્તાર મુજબ મધમાખીને ઉપયોગી વનસ્પતિઓની માહિતીનો અભાવ છે.
• આધુનિક મધપેટી અને મધમાખીને ઉપયોગી વનસ્પતિઓની લભ્યતા ઓછી છે.
• ગુજરાતમાં મધમાખી ઉછેર સફળ કરવા શું કરી શકાય?
• ગુજરાતની જે
કૃષિ યુનિવર્સિટીઓમાં મધમાખી ઉછેર અને તાલીમ કેન્દ્ર નથી ત્યાં તેની સ્થાપના કરવી જોઈએ અને મધમાખીના અભ્યાસની અલગ શાખા શરૂ કરવી જોઈએ.
• મધમાખીને સ્થાયી કરવાના અને કુદરતમાં રહેલી મધમાખીના સંરક્ષણ માટેના વધુને વધુ સંશોધનો થવા જોઈએ.
• કૃષિ યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા મધમાખી અંગેના સંશોધનો વધુ કરાવવા જોઈએ.
• મધમાખીને ઉપયોગી એવા ફૂલનો રસ અને પરાગરજ પુરૂ પાડતી વનસ્પતિનો જુદા જુદા વિસ્તારમાં સંપૂર્ણ અભ્યાસ થવો જોઈએ.
• મધમાખી ઉછેરમાં જુદી જુદી ઋતુમાં કરવાની પ્રવૃત્તિઓ અને વિસ્તાર પ્રમાણે મધમાખીને ઉપયોગી વનસ્પતિમાં ફૂલો આવવાના સમયનું સમયપત્રક તૈયાર કરવું જોઇએ.
• સમગ્ર ગુજરાતમાંથી ખાસ એવા વિસ્તારો શોધી કાઢવા જોઈએ કે જયાં મધમાખી ઉછેર સરળતાથી થઈ શકે.
• મધપેટીનું સમયાંતરે સ્થાળાંતર કરવું. ચોમાસામાં વરસાદ ઓછો હોય અને મધમાખીને ઉપયોગી વનસ્પત્તિ હોય તેવા વિસ્તારમાં સ્થાળાંતર કરવું. શિયાળાની ઋતુમાં જયાં ખરસાણી થાય છે (વાંસદા, ડાંગ) અને રાયડાનો પાક (ઉત્તર ગુજરાત, રાજસ્થાન) વધુ ઉગાડવામાં આવે છે ત્યાં પેટીનું સ્થાળાંતર કરવું ત્યારબાદ જુનાગઢ વિસ્તારમાં ધાણાના પાકમાં તેમજ તલ, ઉનાળુ બાજરા જેવા પાકોમાં સ્થાળાંતર કરી શકાય.
• ખુલ્લી જમીનો તેમજ રસ્તાની બાજુમાં કે રેલ્વે ટ્રેકની આજુબાજુ મધમાખીને ઉપયોગી હોય તેવી વનસ્પતિનું વાવેતર કરવું જોઈએ.
• ખેતરમાં એક ખૂણામાં કે વચ્ચે થોડા વિસ્તારમાં મધમાખીને ઉપયોગી હોય તેવા પાકોને ઉગાડી નાનકડું “મધમાખી અભ્યારણ’’ બનાવી શકાય.
• શેરડી, આંબાવાડી ચીકુવાડી, કેળ વગેરેમાં આંતરપાક તરીકે ખરસાણી, ધાણા, મેથી, રાયડો જેવા પાકો ચોમાસાના પાછળના ભાગમાં અથવા શિયાળામાં ઉગાડવા જોઈએ.
• સામાજીક વનીકરણ યોજનામાં વધુને વધુ વિસ્તારમાં નીલગીરી, સરગવો, લીમડો, જાંબુ, સફેદ જાંબુ, સીસુ, જમરૂખ, બોર વિગેરે જેવા વૃક્ષો વાવવા જોઈએ અને આ વૃક્ષોને ખેડૂતોના ખેતરની ફરતે અને વાડામાં પણ ઉગાડવા જણાવી શકાય.
• ચોમાસા દરમ્યાન મધમાખીને ૫૦ ટકા ખાંડનું દ્રાવણ ખોરાક તરીકે આપવાથી અથવા પરાગની જગ્યાએ કૃત્રિમ ખોરાક આપવાથી તેની પુરતી સંખ્યા જળવી શકાય છે.
• જંતુનાશકનો છંટકાવ ઘટાડવા સંકલિત કીટ નિયંત્રણ પધ્ધતિ, રાસાયણિક જંતુનાશકને બદલે જૈવિક તેમજ વનસ્પતિજન્ય જંતુનાશકોનો વપરાશ વધારવો. બીજ માવજત કે જમીનમાં આપી શકાય તેવી દાણાદાર દવાનો વપરાશ કરવો. પાકમાં કુલ આવે ત્યારે દવાનો છંટકાવ ટાળવો, છંટકાવ કરવો જ પડે એવું હોય ત્યારે વનસ્પતિ આધારિત દવા કે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો.
• મધમાખી ઉછેર વધારવા માટે ખેડૂતોને માહિતી તથા તાલીમ આપવી ખુબજ આવશ્યક છે.
આમ, ગુજરાતમાં મધમાખી ઉછેરની પુષ્કળ શક્યતાઓ છે. તેની મુખ્ય મુશ્કેલીઓમાં ચોમાસા દરમ્યાન વધુ પડતો વરસાદ, જુલાઈ – ઓગષ્ટમાં ફૂલોની અછત અને મીણના ફૂંદાનો ઉપદ્રવ મુખ્ય છે. આ મુશ્કેલી દુર કરવા જુલાઈ – ઓગષ્ટ દરમ્યાન મધમાખીને ૫૦ ટકા ખાંડનું દ્રાવણ આપીને તેની પુરતી સંખ્યા જાળવીએ તો મહ્‌દઅંશે આવી મુશ્કેલીઓનું નિવારણ કરી શકાય. વધુમાં મધપેટીની નિયમિત ચકાસણી કરી મીણના ફૂંદાથી ઉપદ્રવિત પુડાનો નાશ કરવાથી મીણના ફૂંદાને કાબુમાં રાખી શકાય છે. ભારતીય મધમાખી અને ઈટાલીયન માખીના ઉછેર વિસ્તારમાં જે તે મધમાખીને ઉપયોગી વનસ્પતિની હાજરી ચકાસવી કે તે પ્રમાણેનું આયોજન કરવું જોઇએ.
એ આવજો….. બે
વૃક્ષ વાવજો….. વધુ મધમાખી લાવજો…..