લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામે એક ચકચારભરી ઘટના બની છે. કૃષ્ણગઢ ગામે રહેતા નિકુલભાઈ ભુપતભાઈ બેલા (ઉ.વ.૨૫)એ લુવારીયા ગામના રઘુભાઈ ટપુભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ફરિયાદી તથા તેમના પિતા ૧૫ દિવસ પહેલા રાત્રે ૧૧ વાગ્યે તેમના ઘરે પાસે શેરીમાં ટ્રેક્ટરની લારીમાંથી માંડવી ઉતારતા હતા. તે સમયે આરોપી ઇકો કાર લઈને આવ્યો હતો અને ટ્રેક્ટર સાઇડમાં લેવાનું કહ્યું હતું. જેથી બાપ-દિકરાએ તેમને કાર
બાજુની ગલીમાંથી લઇને જવાનું કહેતા તેનું મનદુઃખ રાખ્યું હતું. બે દિવસ પહેલા તેમના પિતા દુકાને બેઠા હતા ત્યારે આરોપી ઇકો કાર લઇને આવ્યો હતો અને છરીનો ઘા માર્યો હતો અને બીજો ઘા મારવા જતાં તેમણે હાથ આડો રાખતાં ત્યાં ઈજા થઈ હતી. જેના કારણે દુકાન સહિત ગામમાં ચકચાર મચી ગઈ હતી. લાઠી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એન.એ.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.