‘‘હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર.’’
‘‘શેરીમાં કોઈ નથી અને એક માત્ર બકો જ કેમ નીકળ્યો છે? ’’
વળી બોસને વિચાર આવ્યો. ‘‘પાછો, વિક્રમ સવંતને ઈંગ્લીશ હારે ભેળવીને સુરતીલોચો કાં તો ભેળ બનાવે છે. આને હવે રોકવો પડશે.’’
‘‘એ..ઈ બકા ! આજ ‘દિ કોની કોર ઊગ્યો?’’
‘‘તમેય તે શું બોસ ! ‘દિ તો રોજ ઉગમણી કોર જ ઊગે છે ને !! હા, આજે કાંઈક ખાસ ઉગ્યો છે.’’
‘‘પણ, આજે ખાસ શું છે? દરરોજની જેમ આજેય ‘દિ ઊગ્યો જ છે. આમાં ખાસ શું?’’ ‘‘લો કર લો બાત ! આજે વિક્રમ સવંત ૨૦૮૨ નો પહેલો દિવસ નથી? નવા વરસના સૌને અભિનંદન નથી આપવા?’’
‘‘આપવા તો છે. પણ, તારી જેમ ખોટે ખોટાં નહીં.’’
‘‘કેમ કેમ ? હું હેપ્પી ન્યૂ યર ખોટું બોલું છું?’’
‘‘જો બકા, આપણું નવું વરસ છે એટલે અભિનંદન પણ, આપણી જ ભાષામાં જ હોવાં જોઈએ. પણ, એનોય વાંધો નથી. પણ, હાસા દિવસે તો હોવા જોઈએ ને !!?’’
‘‘કેમ !? આજે નવું વરસ નથી ?? દિવાળી તો કાલે ગઈ. રામ વનમાંથી આવ્યા, એટલે દીવા કરીને દિવાળી ઉજવી અને વળતે જ દિવસે નવું વરસ.’’
‘‘રામ ક્યાંય વચ્ચેનાં દિવસે આંટો મારવાં ગ્યા ’તા ?
રામ તો નહીં ગયાં હોય. પણ, આપણે પાછાં ઘરે જવાનું છે. આજે ધોકો છે. આજે અભિનંદન નથી આપવાનાં.’’
‘‘બોસ બોસ, હમણાં જ તમે કહેતાં હતાં કે, હેપ્પી ન્યૂ યર બોલીને તું ભેળસેળ કરે છે. પણ, આ ધોકો વચ્ચે લાવીને તમે કે સૌ મોટી ગરબડ નથી કરતાં?
એક તો આપણે ત્યાં ભેળસેળ વગરનું કાંઈ છે જ નહીં. અને ઉપરથી આ બાકી હતું તે ધોકો ભેળવ્યો.
દિવાળીનો ઉત્સાહ આ ધોકો ધોઈ નાંખે છે.
છતાંય આપણે તો હંધાય કરે એમ કરવાનું છે. હાં (કેટલાં ‘ક લોકો આમાં બાકાત છે.)’’
‘‘તારી લાગણી અને માંગણી હું હમજી હકુ છું. પણ, આ પંચાંગ હામે હું ય લાચાર છું. બાકી, અભિનંદન તો તમે આજે આપો કે કાલે આપો ઈ તો પોગી જ જાવાના છે. આપણે તો જૂની કડવાશ બધી જ ભૂલીને નવી ગીલ્લી, નવો દાવ કરવાનો છે. (ભલે આજકાલ ગીલ્લી ડંડાથી કોઈ રમતું નથી) પણ, કહેવત તો બદલતી નથી.માણસ બદલે છે.
પણ બકા, આ વરસમાં તારે ખાસ કોઈને અભિનંદન આપવા છે? ખાસ એનાં માટે પ્રાર્થના કરવી છે??’’
‘‘બોસ, આપણે વધું તો શું કરી શકીએ ? પણ, ગુજરાતને હારા રસ્તા મળે. ખેડૂતને હારો ભાવ મળે. હીરાવાળાને હીરા મળે અને વાંઢા હોય એને વહું મળે.’’
‘‘બકા, આ બધું તો છાસ છાગોળે અને ભેંસ ભાગોળે જેવું છે. ઇન્સ્ટન્ટ કોઈને કાંઈ મળે એનાં માટે કોઈ પ્રાર્થના ખરી !?? જેનાથી સૌ રાજીના રેડ થઈ જાય.’’
‘‘હા હા, છે ને. આ બકાના ભાથામાં બધાં જ તીર હોય છે.’’
‘‘તો એકાદ બે તીર હલાવો.. જોઈએ.., તીર છે, કે થોથું !??’’
‘‘૧૨૪ વર્ષ પહેલાં શરું થયેલો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ’’નોબેલ શાંતિ પુરસ્કાર” જે આ વર્ષે વેનેઝુએલાની મારિયાને મળ્યો છે. એ પુરસ્કાર અમેરિકાના માથાં ફરેલાં ડોનાલ્ડ ટ્રમ્પને મળે.’’
‘‘કેમ કેમ ? એને કેમ મળે ??’’
‘‘તેઓ આ પુરસ્કાર ખરીદ કરવા માંગતા હતા. વારંવાર એમણે કોશિશ કરી પણ, નોર્વેની સંસદમાંથી ચૂંટાયેલા પાંચ પ્રતિનિધિની સમિતિ વિજેતાની પસંદગી કરે છે. અને આ પ્રક્રિયા પચાસ વર્ષ સુધી ટોપ સિક્રેટ રહે છે. આ ભાઈએ આ લોકોને ખરીદવાની ઇચ્છા દર્શાવી. પણ, દુર્ભાગ્ય એનું કે એ ભારતીય નહોતા. એટલે એમની કમાન છટકી છે. હું દુનિયાને બતાવી દઈશ કે હું શું શું કરી શકું છું. એટલે ઈ કાંય કરે એનાં પહેલાં આ પુરસ્કાર એનાં હાથમાં આપો.(ભલે નકલી તો નકલી.)’’
‘‘હવે આગળની ઈચ્છા શું છે ?’’ ‘‘એશિયા કપની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચોમાં પાકિસ્તાન ભારત સામે બાર બાર મેચ હારી ગયું છે. અને ભારત સામે ક્યારેય કપ જીત્યો નથી. તો આ વખતે ભારતે જીતેલો એશિયા કપ પાકિસ્તાનને મળે.’’
‘‘અરે..અરે..બકા, જોઈ વિચારીને બયાન આપજે હોં.
અને હારી ગયેલાંને કપ શા માટે મળે ?’’
‘‘પાકિસ્તાનના પ્રધાન મુનીરની હરકત તમે જોઈ? કલાક સુધી એ સ્ટેજ ઉપર પુતળાની જેમ ઉભા રહ્યા. ના કોઈએ એમનો ભાવ પુછ્યો, ના એમના હાથે ટ્રોફી લીધી. ભલે ગધેડા વેચીને ગુજરાન ચલાવતા હોય. પણ, છે તો માણસને. એટલે હંમેશની મુજબ એમને ગુસ્સો આવી ગયો. એમણે તો ભારતે જીતેલી ટ્રોફી લઈને ચાલતી પકડી ૈંઝ્રઝ્ર એ વારંવાર કહ્યું. આ તમારી ટ્રોફી નથી. આના ઉપર તમારો હક્ક નથી. પણ, માને તો મુનીર થોડાં જ કહેવાય!! એટલે બચાડાને વગર રમ્યે આ ટ્રોફી મળે.’’
‘‘હવે નવી ઈચ્છા શું છે?’’
‘‘લાઈન લગાવીને ઉભેલા ધારાસભ્યને મંત્રી પદ મળે, નવા બનેલા ધારાસભ્યને ખાવાનું મળે, ધારાસભ્ય બનવા ખેડૂતોના ખભે બંદૂક રાખનારાને ટિકિટ મળે, મનીષભાઈ કહે છે કે, રાહુલને નોબેલ પુરસ્કાર મળે. તો ભલે ને મળે, આપણે ક્યાં દેવો છે. સંજોગ ન્યૂઝને નવા વાચકો મળે.
અને આવું બધું કરવા માટે સૌને સદબુદ્ધિ મળે.
છેલ્લે..આ લખનારને નવાં વર્ષના અભિનંદન મળે.’’










































