અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો ‘જનજાતીય ગૌરવ દિવસ’ ભવ્ય રીતે ઉજવાયો હતો. ડા. ભરતભાઈ બોઘરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતાં ડા. બોઘરાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસન સામે જળ, જમીન અને જંગલના અધિકારોની રક્ષા માટે ઐતિહાસિક લડત આપી હતી. તેમનું જીવન અને બલિદાન આદિવાસી સમાજ સહિત દેશના શોષિત અને છેવાડાના વર્ગો માટે પ્રેરણારૂપ છે. જે સમાજ પોતાના ભવ્ય ઇતિહાસ અને મહાપુરુષોના બલિદાનને ભૂલી જાય છે તેનું ભવિષ્ય ઉજ્જવળ બની શકતું નથી. ભગવાન બિરસા મુંડાને રાષ્ટ્રીય ઓળખ અપાવી જનજાતીય ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. વર્ષ ૨૦૦૨ પછી આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં જોડવા માટે થયેલી કામગીરીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરવામાં આવી છે. ફ્રી શિપ કાર્ડ યોજના હેઠળ ખાનગી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની લાખો રૂપિયાની ફી સરકાર ચૂકવે છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૧૫ લાખ સુધીની લોન અને પાયલોટ બનવા વિશેષ શિષ્યવૃત્તિની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવાર, નલ સે જલ યોજના દ્વારા શુધ્ધ પીવાનું પાણી, પાકા રસ્તા અને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વિશેષ બજેટની ફાળવણી સહિતની યોજનાઓનો લાભ આદિવાસી પરિવારોને મળી રહ્યો છે. આદિવાસી સમાજનાં દ્રૌપદી મુર્મુને દેશનાં રાષ્ટ્રપતિ બનાવવાનું ઐતિહાસિક કાર્ય પણ વર્તમાન સરકારના નેતૃત્વમાં થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. શિક્ષિત યુવાનો સમાજમાં જાગૃતિ લાવી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડે તેવી અપીલ કરી હતી.કાર્યક્રમના પ્રારંભે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક તથા
નૃત્યની પ્રસ્તુતિઓ રજૂ થઈ હતી. અમરેલી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર આદિજાતિના વિદ્યાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું. વનવિભાગના સામાજિક વનીકરણ રેન્જ દ્વારા બીજ મેળાનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, નયનાબેન કાપડિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.