અમરેલીના પીપળલગ ગામની સીમમાં ભાગે રાખેલી વાડીમાં ખેતી કરતા યુવકને તાંત્રિક વિધિની જાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી રોકડા રૂ. ૫,૦૦૦ પડાવી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. મોટરસાયકલ પર આવેલા બે ગઠિયાઓએ ધૂળમાંથી જુવાર બનાવવાનો ચમત્કાર બતાવી ખેડૂતને ભ્રમમાં નાખી આ છેતરપિંડી આચરી હતી. આ અંગે લાલજીભાઈ ધીરૂભાઈ રાદડીયા (ઉ. વ. ૪૫)એ જસદણમાં રહેતા જનકનાથ ભગવાનનાથ તથા બાબરાના દિલાનાથ પુનાનાથ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પીપળલગ ગામની સીમમાં પોતાની ભાગે રાખેલી વાડીએ હાજર હતા, તે દરમિયાન બે અજાણ્યા શખ્સો મોટરસાયકલ લઈને વાડીએ આવી પહોંચ્યા હતા. તે પૈકીના એક શખ્સે ખેતરમાં વાવેલી ડુંગળીના પાકનું વિપુલ ઉત્પાદન થશે તેવી વાતો કરી ખેડૂત સાથે વાતચીત શરૂ કરી હતી. વાતોવાતોમાં ખેડૂત હજુ અપરિણીત હોવાનું જાણવા મળતાં, આ શખ્સે દોઢ મહિનામાં તારા લગ્ન કરાવી આપીશ” તેમ કહી ખેડૂતને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ તે શખ્સે ખેડૂતને જમીન પરથી હાથમાં ધૂળ લેવા જણાવ્યું હતું. ખેડૂતે ધૂળ આપતાં જ તેણે તાંત્રિક વિધિ જેવો ડોળ કરી હાથચાલાકીથી ધૂળને જુવારમાં ફેરવી તેમને પરત આપી હતી. આ અંધશ્રધ્ધાભરી વિધિ અને સંમોહનથી ખેડૂત પોતાની સૂઝબૂઝ ગુમાવી બેઠા હતા. આ સ્થિતિનો લાભ ઉઠાવી તે શખ્સે પૈસાની માંગણી કરતા ખેડૂતે પોતાના ખિસ્સામાંથી રૂ. ૫,૦૦૦ કાઢી બીજા સાગરીતના હાથમાં આપી દીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ બંને શખ્સો મોટરસાયકલ પર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભાનમાં આવ્યા બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ખેડૂતે બંને શખ્સો સામે એકબીજાની મદદગારીથી ગુનો આચર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.