અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના નાના એવા કોલડા ગામના ખેડૂત પરિવારમાંથી આવતા યુવા ઉદ્યોગપતિ કુલદીપભાઈ વિનુભાઈ સોરઠીયા અને તેમના ભાઈ કલ્પેશભાઈ સોરઠીયાની કંપની Ksquare Energy Pvt. Ltd.ને રાષ્ટ્રીય કક્ષાએ મોટું સન્માન મળ્યું છે.તા. ૦૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા યોજાયેલ ભારત રિન્યુએબલ એનર્જી સમિટ અને એક્સ્પો ૨૦૨૬ના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનજીના હસ્તે Ksquare Energyને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષી તથા રાજ્યમંત્રી શ્રીપાદ યેસો નાઈક પણ ઉપસ્થિત રહ્યા હતા. મફત વીજળી યોજના અંતર્ગત “ટોપ પરર્ફોમિંગ બ્રાન્ડ ઓનર્સ” કેટેગરીમાં Ksquare Energyએ સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.Ksquare બ્રાન્ડ હેઠળ જોડાયેલા વેન્ડર્સ દ્વારા દેશભરમાં કુલ ૧,૭૮,૯૩૯ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યાં છે. કંપની સોલાર ઇન્સ્ટોલર્સને ઇન્વર્ટર, એસીડીબી, ડીસીડીબી બોક્સ, કેબલ અને અન્ય બેલેન્સ ઓફ સિસ્ટમ સામાન પૂરો પાડે છે. દેશભરના અનેક સોલાર વેન્ડર્સ પીએમ સૂર્ય ઘર પોર્ટલ પર Ksquare ને પોતાની બ્રાન્ડ તરીકે પસંદ કરે છે, તેથી તેમના દ્વારા થયેલાં ઇન્સ્ટોલેશન Ksquare બ્રાન્ડ હેઠળ ગણાય છે. આ ઉપરાંત કંપનીની પોતાની ઈપીસી ટીમે દેશનાં વિવિધ રાજ્યોમાં ૭,૦૦૦થી વધુ ઘરો પર સીધી સોલાર સિસ્ટમ લગાવી છે.
કોલડાની શાળાથી ભારત મંડપમ સુધી
કુલદીપભાઈએ ધોરણ ૭ સુધીનું પ્રાથમિક શિક્ષણ કોલડા ગામની પ્રાથમિક શાળામાં લીધું હતું. ત્યારબાદ પિતા વિનુભાઈએ તેમને રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ માટે મોકલ્યા હતા. આગળ જતાં તેમણે અમદાવાદમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ઈ., ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં એમબીએ અને આઈઆઈએમ નાગપુરમાંથી ડેટા સાયન્સમાં પીજીડીએમ પૂર્ણ કર્યું.માત્ર રૂ.૧૫,૦૦૦ની નાની મૂડીથી શરૂ થયેલી આ કંપની આજે પાંચ રાજ્યોમાં કાર્યરત છે અને ૧૩૫થી વધુ લોકોને રોજગારી આપે છે. સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કુલદીપભાઈ કંપનીની દિશા અને વિકાસ સંભાળે છે, જ્યારે સહ-સ્થાપક અને ડિરેક્ટર કલ્પેશભાઈ કંપનીની તમામ કામગીરી પર નજર રાખે છે. બંને ભાઈઓએ સાથે મળીને કંપનીને આજની ઊંચાઈ સુધી પહોંચાડી છે.
“આ સન્માન કોલડા અને અમરેલીનું છે”
એવોર્ડ મળ્યા બાદ બંને ભાઈઓએ જણાવ્યું હતું કે, આ સન્માન ભગવાનના આશીર્વાદ, માતા-પિતાના સંસ્કાર અને બંને ભાઈઓના સાથનું પરિણામ છે. કોલડા ગામની શાળાથી શરૂ થયેલી આ સફર આજે દેશના સૌથી મોટા મંચ સુધી પહોંચી છે. તેમણે આ એવોર્ડ કંપનીની સમગ્ર ટીમ, વેન્ડર ભાગીદારો, ગ્રાહકો અને અમરેલી જિલ્લાના દરેક વ્યક્તિને અર્પણ કર્યો હતો. આ સિદ્ધિથી કોલડા ગામ, કુંકાવાવ તાલુકા અને સમગ્ર અમરેલી જિલ્લામાં ગૌરવ અને આનંદની લાગણી ફેલાઈ છે.










































