(૧)ફ્રેન્ડશિપ ડે પર કેટલી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી?
દર્શન પટેલ (વડોદરા)
ત્રણ મિત્રોએ બ્લોક કર્યો!
(૨)વરસાદ આવી ગયા પછી ગારો જતો નથી તો શું કરવું જોઇએ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ગારા હોય ત્યાં સુધી બારા ન નીકળાય.
(૩)જાગ્યા ત્યારથી સવાર તો પછી ઊઠ્યા ત્યારથી?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
ઉપાધિ.
((૪) શું નીટની પરીક્ષા જેમ તમારા જવાબ પણ ફૂટી જાય છે?
રમાબેન પટેલ (અમદાવાદ)
તમે ઝેન જી લાગો છો બેનજી!
(૫)તમારી કાલમ રવિવારે જ કેમ આવે છે? શું બીજા કોઈ વારે હસવાની મનાઈ છે?
મેહુલ જોષી (મહિસાગર)
એવું નથી સાહેબ, રવિવારે વાંચી લીધા પછી ઘણાને આખું અઠવાડિયું હસવું આવે છે, બાકીનાને જવાબ સમજવામાં અઠવાડિયું લાગે છે!
(૬)આદુ સુકાઈ જાય તો તેનું નામ કેમ બદલાઈ જાય છે ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
સુકાઈ જાય એના નામ તો શું આ સમાજ સરનામા પણ બદલી નાખે છે ભાઈ!
(૭) દરિયામાં ગોળ નાખવાથી દરિયો મીઠો થાય?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
દરિયો દરિયો જ રહે એ ગોળ કે ચોરસ ન થાય.
(૮) વરસાદમાં ઘરે નવરા બેઠા શું કરાય એ જણાવશા?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
નિશાળમાં તમારા સાહેબે કાગળિયાની હોડી બનાવતા નથી શીખવાડ્યું?
(૯)આપ જે આટલા હાસ્ય સાથે રહો છો, શું ખરેખર હાસ્ય સાથે રહો છો?
તન્વીબેન કાસુંદ્રા (દ્વારકા)
હું હાસ્ય સાથે નથી રહેતો હાસ્ય મારી સાથે રહે છે.
(૧૦)બેંકવાળા પેન કેમ બાંધીને રાખતા હશે?
ધાનાણી ચાંદની મયંક (અમદાવાદ)
લોનની જેમ ઘણા ગ્રાહકો પેન પણ પાછી નથી આપતા એટલા માટે.
(૧૧)સાહેબ! પતિપત્નીના ઝઘડા વાસ્તવિક છે, એ ખબર કેમ પડે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
બેમાંથી એક આખો દિવસ બહાર ઓટે બેઠા રહે તો સમજી લેવાનું.
(૧૨)પત્ની કહ્યું ના માને તો શું કરવું?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
એના પતિને ફરિયાદ કરો.
(૧૩)તમે શ્રાવણમાં ઉપવાસ કરવાનાં છો?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
તમે મને ફરાળ મોકલવાના છો?
(૧૪)સ્મશાને નનામીમાંથી માણસ બેઠો થઈ જાય તો સૌથી પહેલાં ક્યો પ્રશ્ન પૂછે ?
કનુભાઈ પરમાર (દામનગર)
મારો મોબાઈલ કોની પાસે છે?
(૧૫)મેં સાંભળ્યું છે કે,‘હાસ્યાય નમઃ’ના પ્રશ્નો પણ ફૂટી જાય છે,એ સાચું છે?
સતીશભાઈ જે. દવે (અમરેલી)
અત્યારે તમે અમરેલી છો કે જંતરમંતર?!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..












































