ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે, જેમાં આજના સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી કરવામાં આવી હતી. આ સત્રમાં આદિજાતિ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ સવાલ મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં સાયબર હેલ્પલાઇન દ્વારા ફ્રીઝ કરવામાં આવેલા બેંક એકાઉન્ટ્‌સ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
ગૃહ મંત્રીએ ગૃહમાં આપેલા જવાબ અનુસાર, છેલ્લા બે વર્ષમાં ૨,૮૪,૭૭૯ બેંક એકાઉન્ટ્‌સ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૪માં ૨,૪૭,૫૮૭ અને ૨૦૨૫માં ૩૭,૧૯૨ બેંક એકાઉન્ટ્‌સ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ રીતે, નાગરિકોને ઓનલાઇન પોર્ટલથી મોટી રાહત મળી છે અને કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી.
નાગરિકોને અનફ્રીઝિંગ માટે એક વિશેષ ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જ્યાંથી તેઓ કોઈપણ સ્થળથી, કોઈપણ સમયે અરજી કરી શકે છે. આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે અરજદારને રૂબરૂ હાજર રહેવાની જરૂર નથી. અરજીઓનું સ્ટેટસ જાણવા માટે ટેલિફોન નંબર ૦૭૯ – ૨૩૨૫૦૭૮૯ અને વોટ્‌સએપ નંબર ૯૮૬૧૮૯૯૬૦૩ પર પણ સુવિધા ઉપલબ્ધ છે.