અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સેવા અને ભક્તિનો અદભૂત સંગમ જોવા મળ્યો. જય અલખધણી અને ગોપી મહિલા મંડળ દ્વારા આયોજિત ૫૧ જોડીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન મહંત શ્રી મસાપીર બાપુના માર્ગદર્શનમાં ભવ્યતાથી સંપન્ન થયું. વિજયભાઈ જાનીના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ૫૧ નવદંપતીઓએ ગૃહસ્થાશ્રમમાં પગલા પાડ્યા હતા. મહંતશ્રીના આર્થિક સહયોગ અને આશીર્વાદથી દરેક દીકરીને પલંગ, કબાટ અને ઘરેલું સામાન સહિતનો ભવ્ય કરિયાવર અર્પણ કરાયો. આ પ્રસંગે ૨૦ હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. સામાજિક જવાબદારી નિભાવતા આયોજનમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો, જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. દીકરીઓની વિદાય વેળા ભાવુક વાતાવરણ સર્જાયું. સમિતિના સ્વયંસેવકોએ દિવસ-રાત મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.