સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલા ખાંભા ટી-પોઈન્ટ પાસે એક બેફામ બનેલી કારે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ભાઈ-બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.મળતી માહિતી મુજબ,અલ્તાફ હુસેનભાઇ ઝાખરા (ઉ.વ.૧૯) પોતાની મોટરસાયકલ નંબર GJ-01-DH-3941 પર પોતાની બહેનને પાછળ બેસાડીને સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા. તેઓ જ્યારે ખાંભા ટી-પોઈન્ટ પાસે પહોંચ્યા ત્યારે સાવરકુંડલા તરફથી સામેથી આવતી એક સફેદ કલરની ફોરવ્હીલ કાર નંબર GJ-14-AP-0505 ના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ભાઈ-બહેન બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને નાકના ભાગે ફ્રેક્ચર અને જમણા હાથે ગંભીર ઈજાઓ પહોંચતા પ્લાસ્ટર આવ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા બહેનને પણ શરીરે મૂઢ ઈજાઓ પહોંચી હતી. માનવ જિંદગી જોખમાય તે રીતે બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.