૨૦૨૬નું વર્ષ શરુ થયાંને સત્યાવીસ દિવસ પૂરા થયા અને આજે ૨૮ જાન્યુઆરીએ ૨૮મા દિવસની સવારે પરિવારના સુખી સ્વાસ્થ્ય માટે કેટલાક સંકલ્પ લઇ, પાલન કરી-કરાવીએ. જો તમે એકલાં મનોમન સંકલ્પ લેશો તો કદાચ તૂટી જાય કે સંકલ્પ તોડવાનું બહાનું મળી રહે પણ પરિવાર સાથે રહી સુખી સ્વાસ્થ્યનો સંકલ્પ લઇશું તો વળગી રહેવાશે, તેનું પાલન કરી-કરાવી હેલ્ધી લાઈફ બનાવી ખુશીથી જીવન જીવી શકાશે. આવો લઇએ કેટલાક સરળ અને સ્વસ્થ સંકલ્પ, જે પાળવા જરાપણ અઘરા નથી.
૧. બેઠાં-બેઠાં કામ નહીં કરુંઃ આપણા મોટાભાગના રોગ પાછળ આપણું બેઠાડું જીવન જ જવાબદાર છે. માત્ર મગજ પાસે જ કામ લઈએ અને શરીરને કસીએ નહીં એ વ્યાજબી ન કહેવાય. ઘરે કે ઓફિસમાં બેઠાં-બેઠાં કામ કરવાનું હોય તો પણ થોડી વારે ઊભા થઈ શરીરને રિલેક્સ કરો, થોડું સ્ટ્રેચિંગ કરો જે કામ લાગશે.
૨. ૮-૧૦ ગ્લાસ પાણી પીશઃ સામાન્ય લાગતી આ આદત પણ પાડવી પડે તેમ છે. આખો દિવસ એસીમાં રહો કે ભરપૂર કામમાં રહો એટલે ક્યાંક તો તરસને આપણે અવગણીએ કે લાગે જ નહીં. સ્વાસ્થ્ય માટે પાણી ખૂબ અગત્યનું તત્વ છે. જોકે, જમતા પહેલા અને જમ્યા પછી તરત જ પાણી ન પીવું. એ સિવાય દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ કે પછી ૮-૧૦ ગ્લાસ પાણી અવશ્ય પીવું જ.
૩. બ્રેકફાસ્ટ કરવાનું ભૂલીશ નહીંઃ હેલ્ધી નાસ્તો અર્થાત બ્રેકફાસ્ટ તમારા શરીરને આખો દિવસ કામ કરવાની એનર્જી પૂરી પાડે છે. એ ત્યાગવાથી તમારામાં શારીરિક જ નહીં – માનસિક બદલાવ પણ આવી શકે છે. બોડી બેલેન્સ જાળવવા ઉઠ્યાના એક કલાકની અંદર જ નાસ્તાની આદત પાડો. જો કાંઈ ગરમા-ગરમ ન ગમે તો એક ફ્રૂટ અને ૫-૭ ડ્રાયફ્રૂટ્‌સ લો.
૪. બીમારીને અવગણીશ નહીંઃ મોટાભાગના લોકો કામમાં રચ્યા-પચ્યા હોવાને કારણે, સમયના અભાવે કે પછી ગમે તે કારણસર પોતાને થતી પીડા કે તકલીફને અવગણતા હોય છે. નબળાઈ કે નાની શારીરિક તકલીફને પણ અવગણો નહીં. ઘરેલું ઇલાજ શક્ય હોય તો તે, નહીંતર ડોક્ટરને બતાવી આવો. શક્ય છે કે નાની તકલીફ કોઈ મોટી ખામીનું સૂચન કરતી હોય. દર ૬ માસે કે વર્ષે ફૂલ બોડી ચેકઅપ કરાવો.
૫. ખોરાકની પસંદગી સુધારીશઃ ઘરનો ખોરાક જ બેસ્ટ, પણ ક્યારેક બહાર ખાવું પડે કે ઈચ્છા થાય તો પણ શું ખાવું અને શું ન ખાવું એ સમજી લેવું જરૂરી છે. જે પણ ખાઓ તે તમારી શારીરિક દશાને જોઈ-સમજી-વિચારીને તમે હેરાન ન થાઓ એ રીતે ખાઓ. ડોક્ટરે ના કહી હોય તે ન જ ખાઓ. અઠવાડિયામાં એકવાર વાંધો ન આવે એ વાત મનમાંથી કાઢી નાખો.
૬. રમત રમવાનું શરૂ કરીશઃ તમને સમય મળે ત્યારે કે પછી રવિવારે કોઈ આઉટડોર રમત રમવાનું શરૂ કરી દો ને ચાલુ રાખો. કસરત કરો કે ચાલો, પણ જો એમાં કંટાળો આવતો હોય તો ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન જેવી કોઈ રમત રમો. જે રમત માણસને ફિઝિકલની સાથે-સાથે મેન્ટલી પણ સ્ટ્રેસમુક્ત કરે છે અને હેલ્ધી રાખે છે. એકવાર ચાલુ કરી દો, જુઓ પછી રોજેરોજ રમવાની ઈચ્છા થશે જ.
૭. લિફ્‌ટ નહીં વાપરું – દાદર જ ચઢીશઃ ઘર અને ઓફિસમાં લિફ્‌ટના બદલે દાદર ચઢીને આવન-જાવન કરો. એક્સ્ટ્રા સાઈઝની એક્સરસાઈઝ આપોઆપ નહીં બની જાય એ નક્કી છે!
૮. સિઝનલ શાકભાજી – ફળ જ ખાઈશઃ ફ્રૂટ અને શાકભાજી ખાવા જેટલું જરૂરી છે એટલું જ એ જરૂરી છે કે એ સિઝનલ હોય. જોકે, હવે તો બધું બારેમાસ મળવા લાગ્યું છે, એનો અર્થ એવો નથી કે શિયાળામાં કેરીનો રસ અને ચોમાસામાં તરબૂચ ખાઈએ! ક્યારેક સિઝન સિવાયના ફળ-શાક વાયડા પણ પડી શકે છે. સિઝનલ ફળ-શાકભાજી પચવામાં સરળ અને વધુ ગુણકારી હોય છે.
૯. ઘરમાં નહીં ભરાઈ રહુંઃ આ બદલાવ મોટાભાગે હાઉસવાઈફ માટે છે. આજે જ્યારે દરેક વસ્તુ ફોન કે મોબાઈલ દ્વારા ઘરે બેઠા મળી રહે છે ત્યારે અમુક સ્ત્રીઓ ૩-૪ કે ૫-૭ દિવસ સુધી ઘરની બહાર જ નીકળતી નથી. બાળકો સાથે પણ આવું બને છે. ઘરથી શાળા અને શાળાથી ઘર. દિવસ પૂરો થાય ત્યારે બહાર ખુલ્લા વાતાવરણમાં જાઓ, ગાર્ડનમાં એક-બે આંટા મારો, શાકભાજી ખરીદવા જાઓ, મન હળવું થશે ને હેલ્ધી રહેશો.
૧૦. સૂવાના અડધા-પોણા કલાક પૂર્વે જ મોબાઈલ સાઈડ પર મૂકી દઈશઃ મોબાઈલ, ટીવી વગેરેની લાઈટ આપણી ઊંઘને બગાડે છે ને આંખો પર આડઅસર કરે છે. સૂવા જાઓ ત્યારે બેડરૂમમાં મોબાઈલનો યુઝ ન કરો. કેટલાક લોકો મોડી રાત સુધી ટીવી જુએ છે કે મોબાઈલમાં મથે છે, એ આદત સુધારો. નહીંતર, અધૂરી ઊંઘ ઘણીબધી તકલીફો લાવશે.
પ્રેરણાત્મક વિચારો
અમિતાભ બચ્ચનઃ ‘‘ઉમ્મીદ કે સાથ નઈ શુરુઆત’’ – નવા વર્ષની શરૂઆત નવી આશાઓ અને હકારાત્મક વિચારધારાથી કરો. નિષ્ફળતા સાથે ગભરાયા વગર જે લોકો પડકારોનો સામનો કરવા તૈયાર હોય છે, જીત એમની જ હોય છે. મેં પણ મુશ્કેલ સમય જોયો છે. દેવું થઈ ગયું હતું, કામ નહોતું. યશ ચોપરા પાસે કામ માંગવા ગયો, એમણે મને ‘મોહબ્બતે’માં રોલ આપ્યો અને ગાડી પાટે ચઢી ગઈ.
હિલેરી ક્લિન્ટનઃ ‘‘ભાવિ પેઢીને સંસ્કાર આપો’’ – સમયની સાથોસાથ પેરેન્ટિંગના નવા મંત્રો શીખવાની જરૂર છે. બાળકને આપનો પ્યાર, સ્નેહ, હૂંફ અને સથવારો આપો. તેમને ડોક્ટર, એન્જિનિયર, સ્પોટ્‌ર્સમેન કે કાંઈ પણ બનાવો, પણ સૌથી જરૂરી એ છે કે તેમને ઉત્તમ નાગરિક અને સારી માનવતા કેળવવામાં મદદ કરો.
અબ્રાહમ લિંકનઃ ‘‘આઝાદીની પરિભાષા બદલો’’ – આઝાદીનો અર્થ મુક્ત થવું, સ્વચ્છંદતા કે ઉદ્ધતતા નથી. આઝાદીની સીમા ત્યાં સુધી છે જ્યાં બીજાની આઝાદી બાધિત ન થાય. આપણા પરિવાર, સમાજ અને પ્રોફેશનલ જીવનમાં બીજાની આઝાદીને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ.
સોનમ કપુરઃ ‘‘પારિવારિક મૂલ્યોને પ્રાધાન્ય આપો’’ – પરિવાર જ છે જે કુદરતના ચડાવ-ઉતારમાં સાથે ઊભો રહે છે. સંબંધોની પરીક્ષા કઠિન સમયમાં જ થાય છે. બાળકો જેટલી મહેનત કરે છે, એની પાછળનો હેતુ પરિવારની ખુશી હોય છે. મારા પિતાએ ખૂબ મહેનત કરીને અમને આગળ વધાર્યા છે.
પ્રતિજ્ઞા: ‘‘જો તમે ગઈકાલે લીધેલો એકે-એક સંકલ્પ પાળ્યો હોત તો કદાચ તમે સુકલકડી, કાબેલ, તંદુરસ્ત, સમૃદ્ધ હોત – અને ત્રાસેલા પણ..!’’ sanjogpurti@gmail.com