પાંચ વર્ષ પછી મ્યાનમારમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓના અંતિમ તબક્કા માટે રવિવારે મતદાન પૂર્ણ થયું. ૨૦૨૧માં સૈન્ય દ્વારા સત્તા કબજે કર્યા પછી દેશની પ્રથમ ચૂંટણીમાં મ્યાનમારની લશ્કરી સમર્થિત યુનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીએ વિજયનો દાવો કર્યો, જેનાથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો. ભૂતપૂર્વ જનરલના નેતૃત્વ હેઠળની પાર્ટી, ચૂંટણી જીતવાની વ્યાપક અપેક્ષા રાખતી હતી, જેમાં મુખ્ય વિપક્ષી પક્ષોને બાકાત રાખવામાં આવ્યા હતા અને અસંમતિ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
૨૫ ટકા સંસદીય બેઠકો આપમેળે સૈન્ય માટે અનામત રાખવામાં આવી હતી, જે અસરકારક રીતે સ્ત્રો દળો અને તેમના મનપસંદ પક્ષો પર નિયંત્રણ સુનિશ્ચિત કરે છે. ટીકાકારો કહે છે કે લશ્કરી સરકાર દ્વારા યોજાયેલી ચૂંટણીઓ ન તો મુક્ત હતી કે ન તો ન્યાયી, પરંતુ આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા કબજે કર્યા પછી લશ્કરી શાસનને કાયદેસર બનાવવાનો પ્રયાસ હતો. આ બળવાથી વ્યાપક વિરોધ થયો, જેના કારણે મ્યાનમાર ગૃહયુદ્ધમાં ડૂબી ગયું.
૨૮ ડિસેમ્બર, ૧૧ જાન્યુઆરી અને ૨૫ જાન્યુઆરીના રોજ ત્રણ તબક્કામાં યોજાઈ. દેશના ૩૩૦ શહેરોમાંથી ૬૭ શહેરોમાં મતદાન થયું ન હતું, જેમાં મોટાભાગે સશ† વિપક્ષી જૂથો દ્વારા નિયંત્રિત વિસ્તારો હતા, જેના કારણે ૬૬૪ સભ્યોની રાષ્ટ્રીય સંસદમાં બેઠકોની મૂળ સંખ્યા ઘટીને ૫૮૬ થઈ ગઈ. રાષ્ટીય અને પ્રાદેશિક વિધાનસભાઓ માટે ૫૭ રાજકીય પક્ષોના ૪,૮૦૦ થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જાકે, દેશભરમાં માત્ર છ પક્ષોએ ચૂંટણી લડી હતી.
એક વરિષ્ઠ પક્ષના અધિકારીએ નામ ન આપવાની શરતે સોમવારે એસોસિએટેડ પ્રેસ (એપી) ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે રવિવારે યોજાયેલા અંતિમ તબક્કામાં પાર્ટીએ નીચલા ગૃહમાં ૬૧ માંથી ૫૭ બેઠકો જીતી છે. અધિકારીએ ઉમેર્યું હતું કે ઉપલા ગૃહ અને પ્રાદેશિક વિધાનસભાઓની બેઠકો માટે ગણતરી હજુ પણ ચાલુ છે.
તાજેતરના આંકડાઓ અનુસાર, પાર્ટી સંસદના બંને ગૃહોમાં ઓછામાં ઓછી ૨૯૦ બેઠકો જીતશે. આનો અર્થ એ થયો કે સૈન્ય (જેને ૧૬૬ બેઠકો ફાળવવામાં આવી છે) સાથે મળીને, બંને પક્ષો પાસે કુલ ૪૫૦ થી વધુ બેઠકો હશે, જે સરકાર બનાવવા માટે જરૂરી ૨૯૪ બેઠકો કરતાં ઘણી વધારે છે.
આ અઠવાડિયાના અંત સુધીમાં બધી બેઠકો માટે અંતિમ પરિણામોની અપેક્ષા છે. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી, સંસદના નવા સભ્યો અને લશ્કર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ ત્રણ ઉમેદવારોનો પ્રસ્તાવ મૂકશે, જેમાંથી એક રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે. બાકીના બે ઉપરાષ્ટ્રપતિ બનશે. વર્તમાન લશ્કરી સરકારના વડા, સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગ, નવા સંસદીય સત્ર શરૂ થાય ત્યારે રાષ્ટ્રપતિ પદ સંભાળશે તેવી વ્યાપક અપેક્ષા છે.









































