ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે હવે ગુજરાતમાં ૧૪ થી ૧૫ વર્ષની કિશોરીઓને સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) થી બચાવતી મોંઘી રસી તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે.
સરકારના આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત ગુજરાતમાં રસીકરણનો શુભારંભ થઈ ચુક્યો છે, જેનો લાભ રાજ્યની ૧૪ થી ૧૫ વર્ષની વય ધરાવતી આશરે ૫.૫ લાખ કિશોરીઓને મળવાનો છે. આ મહત્વપૂર્ણ રસીકરણ ઝુંબેશ વિવિધ શાળાઓ અને સરકારી આરોગ્ય કેન્દ્રોના માધ્યમથી ચલાવવામાં આવશે. આ અભિયાન પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગંભીર બીમારીઓ સામે પૂર્વ-તૈયારી કરવાનો તેમજ મહિલા સશકિતકરણને વેગ આપીને એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનો છે.
માત્ર રસીકરણ જ નહીં, પરંતુ ગ્રામીણ કક્ષાએ પણ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ એક મહત્વની જાહેરાત કરી છે. આ નવી યોજના અંતર્ગત સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી)માં અત્યાર સુધી જે ૨૭ કર્મચારીઓનું મહેકમ હતું, તે વધારીને હવે ૪૦ નું કરવામાં આવ્યું છે. ધાનેરા સીએચસીના ઉદાહરણ મુજબ, હવે દરેક કેન્દ્ર પર બાળરોગ નિષ્ણાત, -રોગ નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન અને એનેસ્થેશિઓલાજીસ્ટ જેવા ૫ સ્પેશિયાલિસ્ટ તબીબો પોતાની ફરજ બજાવશે.
આ ઉપરાંત, લેબોરેટરી ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન અને ન‹સગ સ્ટાફ જેવા પેરામેડિકલ સ્ટાફની પણ મોટા પાયે ભરતી કરવામાં આવશે, જેથી ગ્રામીણ જનતાને ઘર આંગણે જ તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.
સર્વાઈકલ કેન્સર એ મહિલાઓના સ્વાસ્થ્ય માટે એક અત્યંત ગંભીર ખતરો સાબિત થઈ રહ્યું છે. આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, ગત વર્ષે જ સમગ્ર દેશમાં સર્વાઈકલ કેન્સરના ૭૯,૦૦૦ થી વધુ નવા કેસો નોંધાયા હતા. અત્યંત કમનસીબ બાબત એ છે કે, યોગ્ય સારવાર અને જાગૃતિના અભાવે તેમાંથી ૩૪,૦૦૦ જેટલી મહિલાઓએ પોતાનો કિંમતી જીવ ગુમાવ્યો હતો. આ ચોંકાવનારા આંકડાઓ સ્પષ્ટપણે સાબિત કરે છે કે આવી જીવલેણ બીમારી સામે સુરક્ષા મેળવવા માટે સમયસર રસીકરણ કરાવવું કેટલું અનિવાર્ય અને જીવનરક્ષક છે.
મહિલાઓમાં થતું આ કેન્સર મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે થાય છે. જા ૧૪-૧૫ વર્ષની ઉંમરે જ દીકરીઓને આ રસી આપી દેવામાં આવે, તો ભવિષ્યમાં આ જીવલેણ કેન્સર થવાનો ખતરો નહિવત થઈ જાય છે. જે રસી અત્યાર સુધી મોંઘી હોવાથી સામાન્ય પરિવારની પહોંચ બહાર હતી, તે હવે સરકારી પહેલથી દરેક દીકરીને મફતમાં મળશે.






































