ભારતીય પુરુષ હોકી ટીમે એશિયા કપ ૨૦૨૫નો ખિતાબ જીત્યો છે. બિહારના રાજગીરમાં રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં, ભારતની હોકી ટીમે દક્ષિણ કોરિયાને ૪-૧થી હરાવ્યું. ભારતીય ટીમે ૮ વર્ષના અંતરાલ પછી પુરુષ એશિયા કપ હોકી ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતીય ટીમની આ જીતથી ખૂબ જ ખુશ થયા છે. પીએમ મોદીએ ભારતની આ જીતને ખૂબ જ ખાસ ગણાવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું- “બિહારના રાજગીરમાં આયોજિત એશિયા કપ ૨૦૨૫માં શાનદાર જીત માટે આપણી પુરુષ હોકી ટીમને અભિનંદન. આ જીત વધુ ખાસ છે કારણ કે તેઓએ ડિફેન્ડીંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવ્યું છે. આ ભારતીય હોકી અને ભારતીય રમતગમત માટે ગર્વની ક્ષણ છે. આપણા ખેલાડીઓ નવી ઊંચાઈઓ સ્પર્શતા રહે અને દેશને વધુ ગૌરવ અપાવતા રહે.
પીએમ નરેન્દ્ર મોદીએ એશિયા કપ હોકી ટુર્નામેન્ટના સફળ આયોજન માટે બિહાર સરકાર અને લોકોને પણ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું- “હું બિહાર સરકાર અને લોકોનો પણ આભાર માનું છું, જેમના પ્રયાસોથી રાજગીરે એક અદ્ભુત ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને તે એક જીવંત રમતગમતનું કેન્દ્ર બન્યું.
પુરુષ હોકી એશિયા કપ ૨૦૨૫નું આયોજન આ વર્ષે બિહારના રાજગીર જિલ્લામાં સ્થિત સ્ટેટ સ્પોર્ટ્‌સ એકેડેમી કમ બિહાર સ્પોર્ટ્‌સ યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ૨૯ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી અને ભારત, ચીન, જાપાન, ચાઈનીઝ તાઈપેઈ, મલેશિયા, દક્ષિણ કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશની ટોચની હોકી ટીમોએ તેમાં ભાગ લીધો હતો.
ભારતીય ટીમની જીત પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું- “એશિયા કપ ૨૦૨૫ માં કોરિયા સામેની શાનદાર જીત માટે ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ભારતીય હોકી ટીમે એશિયા કપમાં નોંધપાત્ર વિજય નોંધાવીને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. બિહાર સરકારે ખેલાડીઓ માટે વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા જેથી કોઈ પણ ખેલાડીને કોઈ અસુવિધા ન થાય અને તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે એશિયા કપમાં ભાગ લઈ શકે. આશા છે કે બધી ટીમો અહીંથી બિહારની અવિસ્મરણીય યાદો લઈને જશે. આ સફળ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હોકી ઇન્ડિયા અને રમતગમત વિભાગ અને બિહાર રાજ્ય રમતગમત સત્તામંડળને પણ અભિનંદન. બિહારના લોકોએ દરેક ટીમને પ્રોત્સાહન આપ્યું અને તેમના અજાડ આતિથ્યથી દરેકનું દિલ જીતી લીધું. ચોક્કસપણે, આવી ઘટનાઓ બિહારમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે અને યુવા પ્રતિભાઓને પણ પ્રોત્સાહન આપશે.”