રાજકોટ ખાતે સયાજી હોટલ, કાલાવડ રોડ પર માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડની ૧૪મી વાર્ષિક સાધારણ સભા ૩ સપ્ટેમ્બરે વિશાળ દૂધ ઉત્પાદકોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. સભાની અધ્યક્ષતા સંસ્થાના ચેરમેન વિજયભાઈ ઓડેદરાએ કરી, જેમણે ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષ દરમિયાન થયેલા વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. સંસ્થાના મુખ્ય કાર્યપાલક આલોક કુમાર ગુપ્તાએ વર્ષ દરમ્યાન થયેલ કાર્યોની વિગતો રજૂ કરી અને ગુજરાતના પશુપાલકોને આર્થિક રીતે સશક્ત બનાવવા મળેલા સહકાર બદલ એન.ડી.ડી.બી તથા એન.ડી.ડી.બી. ડેરી સર્વિસીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ગત વર્ષ દરમિયાન માહી ડેરીએ કુલ રૂ.૨૧૨૭.૪૬ કરોડની આવક નોંધાવી, જેમાંથી રૂ.૩૮.૦૩ કરોડનો નફો થયો છે. સંસ્થાએ પોતાના સભાસદોને ૧૦% ડિવિડન્ડ જાહેર કર્યું, જે દૂધ ઉત્પાદક સભ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.








































