સોમનાથ પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. રસ્તાઓ પર દોડતા અને રાહદારીઓને કરડતા કૂતરાઓના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે. પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડા. નિતીન પટેલ મુજબ દર મહિને કૂતરા કરડવાના અંદાજે ૨૦૦થી ૨૫૦ કેસ નોંધાય છે. ખાસ કરીને આ કેસ પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારના વધુ જોવા મળે છે.આજે પણ એક ઘટના બની હતી જેમાં ચેતન દવે પાછળ કૂતરાઓ દોડ્‌યા હતા, જોકે તેઓ માંડ માંડ બચી ગયા. સ્થાનિક નાગરિકોના મતે નગરપાલિકા પાસે શ્વાન પકડવાની ગાડી હોવા છતાં તે માત્ર દેખાવ પૂરતી ફરતી હોય છે, કૂતરાઓ પકડવાની કામગીરી થતી નથી. રસ્તે નીકળતા રાહદારીઓની પાછળ દોડતા કૂતરાઓને કારણે ભયનો માહોલ ઉભો થયો છે. નગરજનોનું માનવું છે કે નગરપાલિકાએ તાત્કાલિક કડક પગલાં લઈ જનહિતની પ્રાથમિક ફરજ બજાવવી જોઈએ.