સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ ગયું. ગુજરાતના સોમનાથમાં સોમનાથ મહાદેવનું મંદિર મહાદેવનાં ૧૨ જ્યોતિર્લિગમાં પહેલું જ્યોતિર્લિંગ ગણાય છે. મુસ્લિમ આક્રમણખોર મહમૂદ ગઝનવીએ ઈસવી સન ૧૦૨૬માં સોમનાથ મંદિરનો ધ્વંશ કરી નાખ્યો હતો. સોમનાથ મહાદેવ પરના પહેલા આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂરા થયા એ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વની ત્રણ દિવસની ઉજવણી સોમનાથમાં કરાઈ. ભગવાન સોમનાથના નામે કરાયેલી ઉજવણીમાં રાજકીય સ્વાર્થ ખાટવાની ભરપૂર કોશિશો પણ થઈ પણ એ વાત બાજુ પર મૂકીએ કેમ કે હિંદુઓ માટે ભગવાન સોમનાથ શ્રધ્ધાનો અને સાથે સાથે સ્વાભિમાનનો પણ વિષય છે જ.
સોમનાથમાં ભગવાન સોમનાથનું મંદિર મુસ્લિમ આક્રમણખોરોએ વારંવાર તોડ્યું અને મહાન હિન્દુ રાજાઓએ વારંવાર આ મંદિર બનાવ્યું. મોહમ્મદ ગઝનીથી માંડીને ઔરંગઝેબ સુધીના ધર્માંધ મુસ્લિમ આક્રમણખોરોએ સોમનાથ મંદિરનો નાશ કરીને તેના ગૌરવને ખંડિત કરવાનો પ્રયાસ કરેલો. આ આક્રમણો અને ધર્માંધતાનો નગ્ન નાચ આખી દુનિયાએ જોયેલો. સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો, લૂંટ અને મંદિર વિધ્વંશનો ઈતિહાસ ગઝનીથી માંડીને ઔરંગઝેબ સુધીના રાજાઓએ પોતે બહુ મોટી બહાદુરી કરી હોય એ રીતે લખ્યો છે.
આક્રમણખોરોએ સોમનાથ પર કુલ ૧૭ હુમલા કર્યા હોવાનું ઈતિહાસ કહે છે. આ પૈકી સૌથી મોટો હુમલો મહેમૂદ ગઝનવીએ કર્યો હતો. જેસલમેરના રસ્તે થઈને ગુજરાતના પાટણ અને ઉના પાસેના દેલવાડાના માર્ગે સોમનાથ પહોંચેલા ગઝનવીએ સોમનાથના ભવ્ય મંદિરનો ધ્વંસ કરીને હજારો નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. લગભગ ૨ કરોડ દિનારની કિંમતી સંપત્તિ લૂંટીને ગઝનવી અફઘાનિસ્તાન પાછો ફર્યો હતો. ધ્વંશ થયેલા મંદિરનો ફરી જીર્ણોધ્ધાર કરાયો પણ વારંવાર હુમલા થતા રહ્યા અને છેવટે ઔરંગઝેબે મંદિરના સ્થાને મસ્જિદ પણ ઉભી કરી પણ તેના કારણે હિન્દુઓની ભગવાન સોમનાથમાં રહેલી શ્રધ્ધાને ના ડગાવી શકાઈ.
આ આક્રમણો અને મંદિરના વિધ્વંશને અંતે ત્યાં આજે મસ્જિદ નહીં પણ મંદિર ઉભું છે. હિંદુઓ માટે તેનાથી વધારે ગર્વની વાત બીજી કોઈ ના હોઈ શકે.
જવાહરલાલ નહેરૂ સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારના વિરોધી હતા એ ઈતિહાસ છે.
સરદાર પટેલે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો તખ્તો તૈયાર કરેલો પણ જવાહરલાલ નહેરૂ તેની વિરૂધ્ધ હતા. સેક્યુલારિઝમનું પિપૂડું વગાડતા નહેરુનું કહેવું હતું કે, સરકારે ધર્મનાં કામોથી દૂર રહેવું જોઈએ. નહેરૂએ એ માટે સરદાર પટેલને વારંવાર કહ્યું છતાં સરદારે ધરાર એ કામ હાથ પર લેવડાવેલું. સરદાર જીર્ણોધ્ધાર પહેલાં જ સ્વર્ગવાસી થયા પછી કનૈયાલાલ મુનશીએ જીર્ણોધ્ધારના કામને આગળ ધપાવ્યું. જવાહરલાલ નહેરૂએ તેની સામે નારાજગી બતાવેલી છતાં મુનશી ડગ્યા નહોતા. મરદની જેમ મુનશીએ જીર્ણોધ્ધારનું કામ પૂરું કર્યું.
મુનશીએ ૧૯૫૧માં મંદિરમાં જ્યોતિર્લિંગની સ્થાપનાની વિધી એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને નિમંત્રણ આપ્યું હતું. હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્રપતિ જશે તો મુસ્લિમો નારાજ થઈ જશે ને સેક્યુલારિઝમ અભડાઈ જશે તેવી માન્યતા ધરાવતા નહેરૂએ ડો. પ્રસાદને સોમનાથ આવવાની ના પાડેલી પણ ડો. પ્રસાદ પણ મરદ સાબિત થયા. નહેરૂની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખીને ડો. પ્રસાદે ધરાર સોમનાથ આવીને ૧૧ મે ૧૯૫૧ના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડો. પ્રસાદ નહેરૂ કેબિનેટના બીજા પ્રધાનોને પણ લેતા આવેલા.
કમનસીબે અત્યારે કનૈયાલાલ મુનશી સાવ ભૂલાઈ ગયા છે. બાકી સરદારના નિધન પછી નહેરૂ સામે અસલી ઝીંક મુનશીએ ઝીલી હતી. મુનશીએ તેના વિશે લખ્યું પણ છે. મુનશી સોમનાથના પ્રોજેક્ટ સાથે પહેલેથી જોડાયેલા હતા. ઓક્ટોબર ૧૯૪૭માં મુનશી નવી દિલ્હીમાં સરદાર પટેલના ઘરે હતા ત્યારે શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢનો કબજો લઈ લેવા ભારતીય લશ્કરને નિમંત્રણ મોકલ્યું હોવાના સમાચાર ટેલીફોન પર મળ્યા હતા. સરદારે એ વખતે કહેલું કે, છેવટે જય સોમનાથ થઈ ગયું.
સરદાર પટેલ નવેમ્બર ૧૯૪૭માં પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર ગયા ત્યારે જાહેર સભામાં જાહેર કરેલું કે, નવા વર્ષના આજના શુભ દિવસે અમે નક્કી કર્યું છે કે સોમનાથ મંદિરનું ફરી નિર્માણ કરાશે. સૌરાષ્ટ્રની પ્રજા યથાયોગ્ય ફાળો આપે. આ પવિત્ર કામ છે અને તેમાં દરેક વ્યક્તિ યોગદાન આપે. જામનગરના રાજવી દિગ્વિજયસિંહ જાડેજાએ ૧.૫૧ લાખ રૂપિયા અને નાનજી કાલીદાસ મહેતા સહિતના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો.
ગૃહ મંત્રાલયે આ કામ માટે સલાહકાર સમિતિ બનાવી તેના ચેરમેન તરીકે મુનશીની નિમણૂક કરી હતી. મુનશી અને જવાહરલાલ નહેરૂ વચ્ચે આ મુદ્દે ભારે સંઘર્ષ થયો પણ મુનશી સોમનાથ મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ કરીને જ જંપ્યા. સરદાર પટેલનું સપનું મુનશીએ પૂરું કર્યું હતું.
નહેરૂ વિશે પણ એક વાત નોંધવા જેવી છે. મુનશી સાથેના આ ભારે સંઘર્ષનો નહેરૂએ કદી ખાર ના રાખ્યો. બલ્કે મુનશીને તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા હતા. નહેરુને હિંદુ વિરોધી અને ખલનાયક ચિતરનારા લોકો ભૂલી જાય છે કે, ૧૯૫૪માં અલાહાબાદના મહાકુંભ વખતે નહેરૂ મુનશીની સાથે જ ગંગા સ્નાન કરવા ગયા હતા અને મૃત્યુ પછી તેમનાં અસ્થિનું ગંગામાં જ વિસર્જન કરાયું હતું.
સરદાર પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કેમ કરાવ્યો ?
સરદાર પટેલને હિંદુવાદી બનાવીને ભગવા રંગે રંગી દેવાની ફેશન ચાલી રહી છે તેથી સોમનાથ મહાદેવના મંદિરના જીર્ણોધ્ધારના સરદાર પટેલના અભિયાનને હિંદુત્વ સાથે જોડી દેવાય છે પણ વાસ્તવમાં સોમનાથનો જીર્ણોધ્ધાર સરદાર પટેલની મુત્સદીગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સરદાર પટેલ હિંદુવાદી નહીં પણ સેક્યુલર હતા તેનો પણ પુરાવો છે. સોમનાથ મંદિરના જીર્ણોધ્ધાર પાછળ સરદાર પટેલનો ઈરાદો હિંદુ અને મુસ્લિમો વચ્ચે વિશ્વાસનો માહોલ પેદા કરવાનો હતો.
ભારતમાં આઝાદી વખતે કેવી સ્થિતી હતી એ કહેવાની જરૂર નથી. ભારતમાં મુસ્લિમોની ને પાકિસ્તાનમાં હિન્દુઓની કત્લેઆમ થઈ તેના કારણે હિંદુ-મુસ્લિમ એકબીજાના દુશ્મન થઈ ગયા હતા. આ માહોલમાં જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં ભળી જવાની મૂર્ખામીભરી જાહેરાત કરી તેના કારણે હિન્દુઓ ભડકેલા હતા. ગુજરાતમાં શાંતિ હતી અને હિંદુ-મુસ્લિમ સામસામે આવી નહોતાં ગયાં પણ જૂનાગઢના નવાબની પાકિસ્તાનમાં ભળવાની મૂર્ખામીના કારણે ગમે તે થઈ શકે તેમ હતું. ભાગલાના કારણે હિન્દુ-મુસ્લિમો એકબીજાના લોહીના પ્યાસા હતા ને તેમના વચ્ચે વિશ્વાસનો માહોલ સર્જવાની જરૂર હતી.
સરદાર પટેલ મહાન મુત્સદી હતા. તેથી તેમણે બંને કોમ વચ્ચે વિશ્વાસ સર્જવા સોમનાથ મંદિરની પસંદગી કરી અને સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારની જાહેરાત કરાવી દીધી. અયોધ્યાનો વિવાદ ત્યારે પણ ચાલતો હતો પણ સરદાર પટેલે અયોધ્યાના બદલે સોમનાથની જ પસંદગી કરી કેમ કે સોમનાથ જૂનાગઢમાં હતું અને સોમનાથમાં વિવાદ વિના મંદિર નિર્માણ શક્ય હતું.
સોમનાથ મંદિર હિન્દુ ગર્વ સાથે જોડાયેલો મુદ્દો હતો. આ ગર્વનું પુનઃસ્થાપન થાય તો હિન્દુઓને સંતોષ થાય અને ગર્વનું પુનઃસ્થાપન કરવામાં મુસ્લિમો નિમિત્ત બને તો હિન્દુઓને મુસ્લિમો તરફ જે નફરત હતી તે ઓગળે. મુસ્લિમો ધર્માંધ નથી પણ હિન્દુઓની ધાર્મિક લાગણીની તેમને પણ કદર છે તેવો મેસેજ જાય એટલા માટે સરદારે સોમનાથ મંદિરના સ્થાને બંધાયેલી મસ્જિદ પરનો હક મુસ્લિમો સામેથી જતો કરે ને ત્યાં ભવ્ય મંદિરના નિર્માણ માટે પહેલ કરાવે એવો તખ્તો પોતે જ ગોઠવેલો. તેમની આ ચાલ સફળ પણ થઈ ને સોમનાથ મંદિરના સ્થાને ઉભેલી મસ્જિદ પાંચ માઈલ દૂર ઉઠાવીને લઈ જવાઈ તેમાં મુસ્લિમોનો સહકાર મળ્યો તેથી બંને કોમ વચ્ચે વિશ્વાસનો માહોલ પેદા થયો.
સરદાર પટેલે પોતાના પર હિન્દુવાદીનું લેબલ લાગે તેનું જોખમ ઉઠાવીને સોમનાથ મંદિરનું નિર્માણ કરાવડાવ્યું તેની પાછળ દેશમાં સંવાદિતાનો માહોલ જાળવવાની ગણતરી હતી. સરદાર એ રીતે વિચારતા કેમ કે સરદાર પટેલ દેશપ્રેમી હતા ને તેમનું રાજકારણ સત્તાલક્ષી નહોતું. દેશનું અને લોકોનું જ હિત વિચારતા સરદાર પટેલના આ વિચારોને આપણે સમજવાની જરૂર છે.sanjogpurti@gmail.com







































