શહેરમાં જાણે અક્ષય કુમારની ‘સ્પેશિયલ ૨૬’ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો વરાછાની ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં સર્જાયા હતા. રાજસ્થાનના પાલીથી આવેલા એક ભેજાબાજે ઇન્કમટેક્ષ ઓફિસરનો સ્વાંગ રચી વેપારીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની ‘ઓવર-એક્ટિંગ’ તેને ભારે પડી ગઈ હતી. વરાછા પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવી આ નકલી અધિકારીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
રાજસ્થાનના પાલી જિલ્લાનો ૫૧ વર્ષીય વિજયસિંહ રાવતસિંહ ચૌહાણ માત્ર એક દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. ગ્રેજ્યુએટ થયેલા આ શખ્સે વેપારીઓને છેતરવા માટે પૂરેપૂરું હોમવર્ક કર્યું હતું. આંખ પર બ્રાન્ડેડ ગોગલ્સ, ગળામાં ટાઈ, ઇસ્ત્રી ટાઈટ કોટ અને હાથમાં ઇન્કમટેક્ષની નકલી ફાઈલો પકડી તેણે માર્કેટમાં એવી એન્ટ્રી પાડી કે સાચો ક્લાસ-વન ઓફિસર પણ ઝાંખો પડે. તેણે ગ્લોબલ માર્કેટના વેપારીને ટેક્સની ગેરરીતિમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. ૩૦ લાખની માંગણી કરી હતી.
વેપારી સાથે રકઝક બાદ આખરે ૪ લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. વિજયસિંહ આ રકમ લેવા માટે ગ્લોબલ માર્કેટ પાસે આવેલી બ્લીસ હોટલ ખાતે પહોંચ્યો હતો. જાકે, તેની શંકાસ્પદ વાતચીતને પગલે વેપારીએ વરાછા પોલીસને જાણ કરી દીધી હતી. પી.આઈ. સહિતના કાફલાએ હોટલ પર વોચ ગોઠવી હતી અને જેવો આ નકલી ઓફિસર રકમ લેવા આવ્યો કે તરત જ પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિજયસિંહ વર્ષ ૧૯૮૯માં ગ્રેજ્યુએટ થયો હતો અને પાલીમાં ટેક્સ સંબંધિત છૂટક કામ કરતો હોવાથી વિભાગની કાર્યપદ્ધતિથી વાકેફ હતો. વરાછા પોલીસે આ ફિલ્મી ઠગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કે તેના આ ‘કોર્ટ-ટાઈ’ વાળા લુકમાં અત્યાર સુધી બીજા કેટલા વેપારીઓ ભોગ બન્યા છે.
આ અંગે સુરત શહેર પોલીસ ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં એક નકલી આઇટી ઓફિસરનો ભાંડો ફૂટ્યો છે. તેમાં જે આઇટી ઓફિસર છે તે રાજસ્થાનના પાલી જિલ્લાનો છે અને અહીં આવીને ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટની એક શોપમાં જઈને તે એમ કહે છે કે, તમારા જે રિટર્ન્સ છે તે યોગ્ય નથી તમે છેતરપિંડી કરી છે અને તેના બદલામાં ૩૦ લાખની માંગણી કરે છે. ૩૦ લાખમાંથી આ સેટલમેન્ટ ૪ લાખ પર આવે છે. પરંતુ ફરિયાદીને શંકા જાય છે કે તેમની પાસે કોઈ ઓરિજિનલ આઇડી કાર્ડ દેખાતું નહોતું આથી તેમણે વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. આ બાદ પોલીસે ત્યાં જઈને આ નકલી આઇટી ઓફિસરને પકડે છે. તેની પર અમે એક્સટોર્શનની ફરિયાદ દાખલ કરી છે અને હાલ તેની અમે ધરપકડ કરી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી કરીશું. લોકોને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે કોઈ પણ ક્રાઈમ બ્રાન્ચ,આઇટી ઓફિસર કે અન્ય કોઈપણ સરકારી એજન્સી તમારી પાસે કેશ સેટલમેન્ટ નથી કરતી. આથી જ્યારે પણ આવી વાત હોય ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં એકવાર જરૂર સંપર્ક કરો.