રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા ખાતે સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ફિટનેસ કા ડોઝ… આધા ઘંટા રોજ…’ ના સૂત્ર સાથે યોજાયેલી આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.સાયકલ રેલીની શરૂઆત સવારે ૭ઃ૩૦ કલાકે મામલતદાર કચેરીથી થઈ હતી અને તે શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને ફરી મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં સાવરકુંડલા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ વિશાળ હાજરીએ ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ના સંદેશને વધુ મજબૂત બનાવ્યો. રેલીના સમાપન બાદ સૌ ઉપસ્થિત લોકોએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.






































