સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કર્મચારી સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ બેઠકમાં ચેતનભાઈ એન. વ્યાસની સર્વાનુમતે સંઘના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. બેઠકમાં કર્મચારીઓના સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસો તેમજ નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર લાભો બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ મુદ્દાઓ પર કાનૂની અને સરકારી વિભાગોમાં જરૂરી કાર્યવાહી કરવા ઠરાવો પસાર કરાયા હતા. નવનિયુક્ત પ્રમુખ ચેતનભાઈ વ્યાસને આ કાર્યવાહી માટે સંપૂર્ણ સત્તા સુપ્રત કરવામાં આવી છે. આ સભામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી સંચાલક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોનારાભાઈ, નટુભાઈ, બોટાદના મુકેશભાઈ અને જીતુભાઈ તેમજ કચ્છના જીગીભાઈએ સુંદર સેવા આપી હતી. સાળંગપુર મંદિરના કોઠારી સ્વામીએ પણ બેઠક માટે સુવિધાઓ પૂરી પાડી ચેતનભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.