અમરેલી તાલુકાના સરભંડા ગામના લોકોની વર્ષો જૂની રજૂઆતનો સુખદ અંત આવ્યો છે. રાજ્યના કાયદો અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની સક્રિય રજૂઆતના પરિણામે, રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ દ્વારા સરભંડા ગામમાં પૂરના પાણીથી થતું નુકસાન અટકાવવા માટે રૂ.૩,૯૫,૨૩,૪૦૦ ના ખર્ચે પૂર સંરક્ષણ દીવાલ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સરભંડા ગામમાં ચોમાસા દરમિયાન પૂરના પાણીને કારણે જનજીવન અને મિલકતોને ભારે મુશ્કેલી પડતી હતી. આ પ્રશ્નને ગંભીરતાથી લઈ મંત્રીએ જળસંપત્તિ મંત્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેનાથી ગ્રામજનોને પૂરના પ્રકોપમાંથી કાયમી મુક્તિ મળશે.








































