સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લિ., બગસરા શાખા દ્વારા દાખલ કરવામાં આવેલા ચેક રિટર્ન કેસમાં બગસરા કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી કેતનભાઈ મનસુખભાઈ રાખોલિયા (રહે. જૂના વાઘણિયા, તા. બગસરા)ને છ માસની સજા અને ચેકની રકમ ભરપાઈ કરવાનો આદેશ કર્યો છે. આરોપી કેતનભાઈએ મંડળી પાસેથી રૂ.૨,૦૦,૦૦૦ની લોન લીધી હતી અને લોન પેટે ચડત રકમ રૂ.૨,૩૩,૦૬૮ ભરપાઈ કરવા માટે ચેક આપ્યો હતો. પરંતુ, આ ચેક બેંકમાં વટાવવા નાખતા ‘એકાઉન્ટ બ્લોક’ના શેરા સાથે પરત ફર્યો હતો. આથી, મંડળીએ કાયદેસર નોટિસ પાઠવ્યા બાદ પણ રકમ ન ચૂકવાતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ બગસરા કોર્ટમાં ચાલતા, ફરિયાદી મંડળીના વકીલ પી.ડી.દાંતી (ગઢવી) અને વિશાલ જે.માળવીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને ઉપરોક્ત સજા ફટકારી હતી.