શહેરના વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મચારી પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટએ નોંધ્યું હતું કે, આરોપી સામેનો આખો કેસ નિઃશંક રીતે પુરવાર થયો છે અને પોલીસ મથકમાં સરકારી કર્મચારી પર હુમલો કરવો અત્યંત ગંભીર બાબત છે. આવા કેસમાં આરોપી સામે કોઈપણ પ્રકારની દયા દાખવી શકાય તેમ નથી.
મળતી વિગતો મુજબ વર્ષ ૨૦૨૨ દરમિયાન શહેરના વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મચારી ભાવિન બંસીધર રાણા તેમના સહકર્મી હેડ કોન્સ્ટેબલ પોપટભાઇ ગોરાભાઇ સાથે ૨૬ ઓગસ્ટના રોજ પોલીસ મથકમાં હાજર હતા. તે દરમિયાન બિરબલ બાબુભાઇ પલાસ નામનો વ્યકિત પોલીસ મથકમાં આવ્યો હતો. અગાઉની અદાવતના કારણે આરોપીએ પોલીસ મથકની અંદર જ હેડ કોન્સ્ટેબલ પોપટભાઇ ગોરાભાઇ પર પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો.
આકસમિક હુમલામાં પોપટભાઇ ગોરાભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી પોલીસ મથકમાં પણ હાહાકાર મચી ગયો હતો. ઘટના અંગે વટવા જીઆઇડીસી પોલીસે આરોપી બિરબલ બાબુભાઇ પલાસ સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ઘટનાના આશરે એક મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી અને પુરાવાઓ એકત્રિત કરી આરોપી સામે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ કેસ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ માટે આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભાવેશ પટેલ દ્વારા કોર્ટ સમક્ષ પૂરતા સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે ફરિયાદી સહિતના સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યો છે અને સમગ્ર કેસ નિઃશંક રીતે પુરવાર થાય છે. ઉપરાંત આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ ધ્યાનમાં લેવો જરૂરી છે. સરકારી વકીલે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે આરોપી ઝનૂની સ્વભાવનો છે અને ગમે ત્યારે ગમે તે વ્યકિત પર હુમલો કરવા માટે ખચકાટ અનુભવતો નથી. જાહેરજનતામાં ભય પ્રસ્થાપિત કરવા અને રોફ જમાવવા માટે આવા પ્રકારના હુમલા કરવાની તેને ટેવ છે. તેથી આવા આરોપીને કાયદાનો કડક સંદેશ મળે અને સમાજમાં કાયદાનું શાસન જળવાઈ રહે તે માટે કોર્ટ દ્વારા દાખલો બેસાડે તેવી સખ્તમાં સખ્ત સજા ફરમાવવી જરૂરી છે.
બીજી તરફ આરોપી પક્ષના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામેનો ગુનો ગંભીર પ્રકારનો છે અને તે સંપૂર્ણપણે પુરવાર થયો છે. અંતે સેશન્સ કોર્ટે આરોપી બિરબલ બાબુભાઇ પલાસને હત્યાના પ્રયાસના ગુનામાં દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી અને તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે પોલીસ મથકમાં સરકારી કર્મચારી પર હુમલો કરવો અત્યંત ગંભીર બાબત છે અને આવા આરોપીઓ સામે દયા દાખવવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે.








































