લીલીયા તાલુકામાં અતિવૃષ્ટિમાં થયેલ નુકસાની બાબતે અમુક ગામોને થયેલ અન્યાયને મુદ્દે સરપંચોમાં નારાજગી વ્યાપી છે. લીલીયા મોટા સરપંચ એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિ ૨૦૨૪ની સહાયમાં બાકી રહેલા ગામોનો સમાવેશ કરવાની ઉગ્ર રજૂઆત થઇ હતી. ગાગડીયા તથા શેત્રુંજીની આસપાસના અમુક ગામોનો સમાવેશ કરેલ તથા તેમને અડીને આવેલા બેથી ત્રણ કિ.મી. આસપાસના ગામો છોડી દીધેલ છે તો તે ગામોનો તાત્કાલિક સમાવેશ કરવા અગાઉ પત્ર મારફત ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં કોઇ નક્કર પગલાં ન લેવાતા તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચોએ એકઠા થઈ રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં સહાયથી વંચિત રહેલા તમામ ગામોનો જો સમાવેશ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નીતિનભાઇ ત્રિવેદીએ પણ લીલીયા તાલુકાના તમામ ગામના ખેડૂતોને ધોવાણ સહાય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, તાલુકાના માત્ર દસ ગામોને સરકાર તરફથી સહાય મળી છે પરંતુ તમામ ૩૭ ગામોને સહાય આપવાની માગણી છે.
જો આ માગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવું પડશે, તેવી ચીમકી પણ તેમણે આપી હતી. વધુમાં ગોઢાવદર ગામના સરપંચ અને ગ્રામજનોએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને અલગથી પત્ર લખીને સહાય કરવા માગણી કરી છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચેતવણી આપી છે. આ અંગે સાંસદ ભરતભાઇ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાલા અને જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ રજૂઆત કરાઈ છે. શિક્ષણ સમિતિના ચેરમેન ભીખાભાઈ ધોરાજીયા, ગોઢાવદરના સરપંચ વિજયભાઈ ગજેરા, રાશિભાઈ ડેર, હિતેશભાઈ પરમાર, વિલાસપરી બાપુ, પ્રફુલભાઈ ગજેરા, અશોકભાઈ નારોલા, રસીકભાઈ ગજેરા વગેરેએ રજૂઆત કરી છે.