લીલીયા તાલુકામાં ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનના સહાય પેકેજમાં તાલુકાના ૧૯ જેટલા ગામોને બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. લીલીયા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ મંજુલાબેન ભરતભાઈ ઠુમ્મરે આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીને પત્ર પાઠવી તાત્કાલિક તમામ ગામોને સહાય પેકેજમાં સમાવવાની માગ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ, ગોઢાવદર, બવાડી, ઈંગોરાળા, શેઢાવદર, લોંકા, લોંકી, ભેંસવડી, ગુંદરણ, એકલેરા, પાંચતલાવડા, નાના રાજકોટ, ઢાંગલા, હાથીગઢ, ભોરીંગડા, ટીંબડી, સનાળીયા, ખારા, કલ્યાણપર અને કુંતાણા જેવા ગામોને પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મંજુલાબેન ઠુમ્મરે જણાવ્યું કે, જ્યારે પણ કુદરતી આફત આવે છે ત્યારે સરકાર દ્વારા ૧૦૦% ગામોને સહાય ચૂકવવામાં આવે છે. આ વખતે અમુક ગામોનો સમાવેશ થયો છે, પરંતુ બાજુના ગામોને બાકાત રાખવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે અન્યાય છે.
સરપંચ એસોસિએશને રજૂઆત કરી છે કે સમગ્ર લીલીયા તાલુકામાં વરસાદથી નુકસાન થયું હોવાથી બધા જ ગામોને સહાયની જરૂર છે. આ ગંભીર બાબત પર ફેરવિચારણા કરીને બાકી રહેલા ગામોનો સત્વરે પેકેજમાં સમાવેશ કરવામાં આવે તેવી તેમણે વિનંતી કરી છે.