તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી કબાટમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી
લીલીયા તાલુકાના આંબા ગામે ધોળા દિવસે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી તેમજ અમરેલી તાલુકાના નાના ગોખરવાળા ગામે પણ તસ્કરોએ મકાનને નિશાન બનાવી લૂંટ ચલાવી હતી.
આ ઘટના બન્યા બાદ અમરેલી જિલ્લા પોલીસ સતર્ક બની હતી અને લીલીયા પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા જુદી જુદી ટીમ બનાવી હતી. જેમાં બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી સગીર સહિત બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. લીલીયા તાલુકાના આંબા ગામે ગત તા. ૨૯ના રોજ ધોળા દિવસે ખોડાભાઈ રવજીભાઈ સાવજના રહેણાંક મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી મકાનના દરવાજા તોડી તિજોરીમાં રાખેલ રકમ તેમજ સોનાના દાગીનાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જેથી આ અંગે ખોડાભાઈએ મકાનમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૮.૭૧ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ લીલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન નીચે લીલીયા પીઆઇ એમ.ડી. સાલુકે દ્વારા તસ્કરોને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને ટેકનિકલ સોર્સ અને સીસીટીવી કેમેરાની મદદથી એક શંકાસ્પદ મોટરસાયકલ દેખાતા પોલીસ મોટરસાઈકલના નંબરના આધારે માલિક સુધી પહોંચી હતી.
પોલીસે મોટરસાયકલના માલિકની પૂછપરછ કરતા આ ચોરી કરનાર ઉમેશ શેરૂ પરમાર રહે.સાવરકુંડલા રોડ, અમરેલી તેમજ એક સગીર વયના ઇસમની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ૧.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ અમરેલી તાલુકાના નાના ગોખરવાળા ગામે પણ એક રહેણાંક મકાનમાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આમ લીલીયાના આંબા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં લીલીયા પોલીસને સફળતા મળી છે.