નવસારી શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત નવસારી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાના ભાગરૂપે લુંસીકુઈ મેદાનમાં યોજાનાર આ ફ્લાવર શો પ્રકૃતિ અને કલાનો અનોખો સંગમ બનશે. અમદાવાદના પ્રખ્યાત ફ્લાવર શોની તર્જ પર યોજાતા આ મહોત્સવ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હાલ તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
રાજ્ય સરકારના ‘વિકસિત ગુજરાત’ અને ‘વિકસિત નગરો’ના વિઝનને સાકાર કરવા માટે આ આયોજન નવસારી માટે નવી ઓળખ સાબિત થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં આ ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ફ્લાવર શો ૨૪ તારીખના શનિવારથી શરૂ થશે. આ ફ્લાવર શોમાં ૧ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોથી વિવિધ થીમ આધારિત પ્રદર્શનો બનાવવામાં આવશે. ફૂલોથી બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નવા સંસદ ભવનનું મોડેલ, નવસારીના ગૌરવ જમશેદજી ટાટા અને મહાત્મા ગાંધીની ભવ્ય પુષ્પકૃતિઓ, તેમજ વાઘ, સિંહ, પતંગિયા અને ક્લોક ટાવર જેવી આકર્ષક પ્રતિકૃતિઓ દર્શકો માટે વિશેષ આકર્ષણ રહેશે.
આ ઉપરાંત ગુલાબ, ગલગોટા, ઓર્કિડ સહિત અનેક રંગબેરંગી અને દુર્લભ પ્રજાતિના ફૂલોનું મનોહર પ્રદર્શન પણ કરવામાં આવશે, જે પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે ખાસ આકર્ષણ બનશે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં થયેલા વિકાસકાર્યોની શ્રેણીમાં આ ફ્લાવર શો એક મહત્વપૂર્ણ ઉમેરો ગણાશે. મહત્વની વાત એ છે કે આ મહોત્સવમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવશે, જેથી શહેરના દરેક વર્ગના નાગરિકો આ નયનરમ્ય દ્રશ્યોનો આનંદ માણી શકે.
આ આયોજનથી નવસારીના પર્યટન, સંસ્કૃતિ અને શહેરની ઓળખને નવી ઊંચાઈ મળશે. પરિવાર, યુવાનો અને બાળકો માટે આ ફ્લાવર શો એક યાદગાર અનુભવ બની રહેશે, જ્યાં ફૂલો માત્ર સુગંધ નહીં પરંતુ નવસારીનું ગૌરવ અને વિકાસની કહાણી કહેશે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ ફ્લાવર શો એક લાખથી વધુ જુદી જુદી જાતિના ફૂલોથી તૈયાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ આયોજન એક અઠવાડિયા સુધી ચાલશે.








































