રાજુલા તાલુકાના ડુંગર ગામેથી લોહીયાળ અંજામની એક ઘટના સામે આવી હતી. ઠંડીથી બચવા માટે ઘર પાસે તાપણું કરીને બેઠેલા યુવક પર ‘તું તાપણું બરાબર નથી કરતો’ તેવા નજીવા કારણોસર બે શખ્સોએ હિંસક હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.મહેશભાઈ ઉર્ફે કબો પીઠાભાઇ મારૂ (ઉ.વ.૪૨) એ રાજાભાઇ પ્રાગજીભાઇ મારુ તથા રાહુલભાઇ પ્રાગજીભાઇ મારૂ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાના ઘર પાસે તાપણું કરી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર રાજાભાઈએ તાપણું કરવા બાબતે તકરાર કરી હતી. બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીએ ઘરેથી ફાઈબરની પાઈપ લાવી તેના ડાબા પગના સાથળના ભાગે ફટકારી હતી. હુમલા દરમિયાન રાહુલભાઈ મારૂએ તેમને મજબૂત રીતે પકડી રાખ્યો હતો. જ્યારે ફરિયાદીએ બચાવ માટે ફાઈબરની પાઈપ પકડી લીધી, ત્યારે બીજાએ તેનું ગળું દબાવ્યું હતું. આ તકનો લાભ લઈ આરોપીએ બાવળનું લાકડું લઈ તેમના મોઢાના ભાગે ઝીંકી દીધું હતું. આ હુમલામાં તેને ડાબી આંખ ઉપર અને નાકની ડાંડીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ મામલે ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.એ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.