મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગના કારણે દુનિયાભરમાં તણાવ છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે બજારમાં ઉલટી ગંગા વહેતી જાવા મળી રહી છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ચાંદીના ભાવની વાત કરીએ તો, છેલ્લા એક અઠવાડિયામાં તેમાં ધરખમ ઘટાડો થયો છે. ૨૭ ફેબ્રુઆરીએ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨,૮૨,૬૪૪ હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને ૨,૬૮,૫૬૯ પર આવી ગયો છે. આમ, માત્ર એક અઠવાડિયામાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ૧૪,૦૭૫ નો ઘટાડો જાવા મળ્યો છે.
ઐતિહાસિક રેકોર્ડ સાથે સરખામણી કરીએ તો ચાંદી અત્યારે ઘણી સસ્તી મળી રહી છે. ૨૯ જાન્યુઆરીએ ચાંદી ૪,૨૦,૦૪૮ ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. અત્યારના ભાવ મુજબ, ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી ૧,૫૧,૪૭૯ જેટલી સસ્તી મળી રહી છે.
સોનાના ભાવમાં પણ ગત સપ્તાહ દરમિયાન નરમાઈ જાવા મળી છે. ૨૭ ફેબ્રુઆરીએ સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧,૬૨,૧૦૪ પર હતું, જે વીતેલા શુક્રવારે ૧,૬૧,૬૭૫ પર બંધ થયું હતું. અઠવાડિયાના અંતે સોનામાં પ્રતિ ૧૦ ગ્રામ ૪૨૯ નો મામૂલી ઘટાડો નોંધાયો છે.
સોનું પણ તેના હાઈ લેવલથી અત્યારે ગ્રાહકોને રાહત આપી રહ્યું છે. ૨૯ જાન્યુઆરીએ સોનું ૧,૯૩,૦૯૬ ની ટોચે પહોંચ્યું હતું. હાલના બજાર ભાવ પ્રમાણે ૨૪ કેરેટ સોનું તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી ૩૧,૪૨૧ જેટલું નીચે ટ્રેડ કરી રહ્યું છે.
યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં પણ કિંમતી ધાતુઓના ભાવ ઘટવા પાછળ નિષ્ણાતો ‘પ્રોફિટ બુકિંગ’ ને મુખ્ય કારણ માની રહ્યા છે. એક્સપર્ટ્‌સનું કહેવું છે કે અગાઉ ભાવમાં મોટો ઉછાળો આવી ચૂક્યો હોવાથી હવે રોકાણકારો નફો વસૂલી રહ્યા છે અને કટોકટીના સમયે પોતાની પાસે રોકડ રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે.