અમરેલીના મોટા આંકડીયા ગામે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અને પ્રફૂલભાઈ સેંજલીયાની ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક કૃષિ અને અંજીરની ખેતી’ વિષય પર એક સફળ કૃષિ શિબિર યોજાઈ હતી. જેમાં આસપાસના ગામોના ખેડૂતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ શિબિરનું આયોજન પ્રગતિશીલ ખેડૂત ભગવાનભાઈ સવસૈયા અને તેમના પરિવારે કર્યું હતું. શિબિરમાં પ્રાકૃતિક રીતે ઉગાડેલા અંજીરના પાકનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને ખેતીની પદ્ધતિ તેમજ પ્રોસેસિંગ પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી. વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામીએ બદલાતા હવામાનની પાક પર થતી અસરો વિશે માર્ગદર્શન આપ્યું હતું. પ્રફૂલભાઈ સેંજલીયાએ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે તે જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. આ શિબિરથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધુ પ્રેરાયા છે.