અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા રાજુલાના ડુંગર ગામની દીકરી માયાબેન લાડુમોરે આકાશમાં ઉડતા એરક્રાફ્ટને જોઈ સેવેલું સ્વપ્નું સાકાર થઈ જવા જઈ રહ્યું છે. ભુપતભાઈ લાડુમોરનું મૂળ વતન રાજુલા તાલુકાનું ડુંગર ગામ છે જો કે તેમનું અવસાન થયું છે. પાંચ દીકરીઓ તેમની માતા સાથે માધવબાગ પર્વત પાટીયા સુરત રહે છે. માયાબેન લાડુમોર પાયલોટ બનતા નાનપણમાં જાયેલું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. મૂળ ડુંગર ગામના ભુપતભાઈ લાડુમોરની દીકરીને નાનપણમાં અભ્યાસ કરતી વખતે આકાશમાં ઉડતા વિમાનને જોઈ મનમાં સવાલ ઉઠ્યો હતો. આ પ્લેન ઉડાવવા વાળો પણ એક માણસ જ હશે, ને ત્યારથી નાનકડી માયાબેને પાયલોટ બની પ્લેન ઉડાવવાનું નક્કી કરી લીધું હતું. માયાબેને સુરતની દક્ષિણામૂર્તિ શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આહીર કન્યા છાત્રાલય ભાવનગર ખાતે પણ અભ્યાસ કરી નડીયાદ ખાતે એન્જીનિયરીંગ પૂર્ણ કર્યું હતું. હાલ માયાબેન અમરેલીમાં આવેલી ગુજરાત ફ્લાઈંગ સ્કૂલમાં પાયલોટની ટ્રેનિંગ લઈ રહ્યાં છે. આ અંગે ડુંગર ગામના સરપંચ પ્રતિનિધી સુકલભાઈ બલદાણીયાએ જણાવ્યું હતું કે ભુપતભાઈ લાડુમોર નાનપણથી સુરત રહેવા જતા રહ્યાં હતા. જો કે તેમનું મકાન હજી પણ અહીં આવેલુ છે. ભુપતભાઈ લાડુમોર તેમના પરિવાર સાથે પ્રસંગોપાત અહીં આવતા જો કે વર્ષ ર૦૧પમાં ટૂંકી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું. આમ છતાં ગામમાં તેમના પત્ની અને દીકરીઓ સારા-નરસા પ્રસંગમાં હાજરી આપવા આવે છે. ગામની દીકરી પાયલોટની ટ્રેનિંગ લઈ રહી હોવાથી ગામ માટે આ ખુશીની ક્ષણ છે. ભુપતભાઈની પાંચેય દીકરીઓને દિવાળી પર ગામમાં બોલાવી તેમનું સન્માન કરવામાં આવશે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામની આહીર સમાજની દીકરી પાયલોટ બની હોય તેવું આ પ્રથમવાર બન્યું છે. માયાબેન લાડુમોરને વિમાન ઉડાડતા જોઈને અન્ય દીકરીઓના મનમાં પણ વિશ્વાસ જાગ્યો છે.
સમસ્ત ગામ દ્વારા દિવાળી પર વતન બોલાવી દીકરીનું સન્માન કરવામાં આવશે: સરપંચ
આકાશમાંથી અમરેલી ખુબ જ સુંદર દેખાય છે
પાયલોટની ટ્રેનિંગ લઈ રહેલા માયાબેન લાડુમોરે સંજોગ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમરેલી એ મારો પોતિકો જિલ્લો છે. અમરેલીમાં જ પાયલોટની ટ્રેનિંગ લઈ રહી છું તેનો રોમાંચ અલગ છે. જયારે આકાશમાં પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ ચાલુ હોય ત્યારે આકાશમાંથી અમરેલી શહેર ખુબ જ સુંદર દેખાય છે. જેમાં ખાસ કરીને મંદિરો, જંગલો અને નાના-મોટા ચેકડેમ જોવાનો આનંદ જ કંઈ અલગ છે. આ આનંદને શબ્દમાં વર્ણવી શકાય તેમ ન હોવાનું માયાબેને જણાવ્યું હતું.
દીકરી ધારે એ કરી શકે: પાયલોટ માયાબેન
અમરેલીની ગુજરાત ફ્લાઈંગ સ્કૂલમાં ટ્રેનિંગ લઈ રહેલા માયાબેન લાડુમોરે જણાવ્યું હતું કે, દીકરી હોય કે દીકરો બન્ને એક સમાન છે. દીકરી હોય તો પણ ધારે એ કરી શકે છે. જો મજબૂત મનોબળ હોય તો કંઈપણ કાર્ય અશકય નથી. પરિવારનો વિશ્વાસ અને સાથ-સહકાર હોય તો દીકરી આજે પણ સમાજ અને દેશનું નામ રોશન કરી શકે છે. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સના પણ માયાબેને ઉદાહરણ આપ્યા હતા.
‘દીકરી બચાવો, દીકરી પઢાવો’ સુત્રને સાર્થક કર્યું
સુરત ગામે રહેતા મંજુલાબેન લાડુમોરને સંતાનમાં પાંચ દીકરીઓ જ છે. આજના સમયમાં લોકો હજી પણ દીકરીને બોજ સમજે છે પરંતુ મંજુલાબેન જેવી મહિલાએ આ દીકરીઓને બોજ જેવું મહેસુસ થવા દીધું નથી. પતિની હયાતી વગર પાંચેય દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. માતા મંજુલાબેનના અથાગ પ્રયત્નોથી આજે પાંચેય દીકરીઓનું સમાજમાં નામ ગુંજી રહ્યું છે.
પાયલોટ બનવા માટે ૪૭ લાખની વ્યવસ્થા કરી
માયાબેન લાડુમોરને નાનપણથી પ્લેન ઉડાવવાની ઈચ્છા હતી તે વારંવાર તેમના પિતાને પાયલોટ બનવા માટે કહેતી પરંતુ ભુપતભાઈ લાડુમોર પાયલોટ બનવાની ના પાડતા હતા. આખરે ભુપતભાઈએ તેની દીકરી પાયલોટ બનશે તેવું જાહેર કરતા માયાબેન ખુશીથી ઝુમી ઉઠયા હતા. એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યા બાદ પાયલોટ માટે માયાબેનના પરિવારે રૂ. ૪૭ લાખ ફી ભરવાનું નક્કી કર્યું હતું. જો કે હજુ ટ્રેનિંગ ચાલુ હોય હાલ રૂ.૧૧ લાખ ફી ભરી માયાબેન પ્લેન ઉડાવી રહ્યાં છે. જો કે માયાબેનને પાયલોટ બનતા જાવા તેમના પિતા હયાત નથી.
પિતાની હયાતી નથી, માતાએ પાંચેય દીકરીઓને પગભર કરી
મૂળ ડુંગર
ગામના અને હાલ સુરત રહેતા ભુપતભાઈ લાડુમોર રત્ન કલાકાર હતા પરંતુ અચાનક ટૂંકી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું. ભુપતભાઈને સંતાનમાં પાંચ દીકરીઓ જ હતી. જેથી તમામ દીકરીઓને પગભર કરવાની જવાબદારી માતા મંજુલાબેનના શિરે આવી પહોંચી પરંતુ મંજુલાબેને જરાપણ હિંમત હાર્યા વગર પાંચેય દીકરીઓને પગભર કરી સમાજમાં નામ રોશન કરી શકે તે રીતે શિક્ષણ આપ્યું હતું.
માતા-બહેનો અને કાકાનો ખુબ જ સહકાર મળ્યો
માયાબેન લાડુમોરે જણાવ્યું હતું કે પાયલોટ બનવા માટે માતા મંજુલાબેન તેમજ ચારેય બહેનોએ ખુબ જ સહકાર આપ્યો હતો. ખાસ કરીને દિલીપકાકાએ પિતાની ગેરહાજરીમાં ખુબ જ સહકાર આપ્યો છે. પાયલોટ બનવા માટે મારા પરિવારના સભ્યોના સહકારથી જ પાયલોટની ટ્રેનિંગ લઈ રહી છું. અને ભવિષ્યમાં પ્લેન પણ ઉડાડીશ તેમ અંતમાં માયાબેન લાડુમોરે જણાવ્યું હતું.
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાથી જરા પણ ડર લાગ્યો નથી
માયાબેને જણાવ્યું કે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ આ પ્લેન ક્રેશની ઘટનાથી મારા મનોબળને કંઈ જ ફેર પડ્યો નહોતો. મારે પાયલોટ બનવું છે બસ એ જ ધ્યેય સાથે હું આગળ વધી રહી છું. પ્લેન ઉડાવવાની સાથે તમામ મુસાફરોની જવાબદારી પાયલોટના શીરે હોય છે. પ્લેન ક્રેશની ઘટના એક દુઃખદ અકસ્માત હતો જેમાં મોતને ભેટેલા તમામ લોકો પ્રત્યે માયાબેન લાડુમોરે પોતાની સંવેદના વ્યકત કરી હતી.
પાંચેય બહેનોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું
ભુપતભાઈ લાડુમોરનું અવસાન થયા બાદ પાંચેય દીકરીઓને પગભર કરવાની જવાબદારી મંજુલાબેન માથે આવી પડી હતી. મંજુલાબેને હિંમત હાર્યા વગર પાંચેય દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. જેમાં સૌથી મોટી દીકરી ફિઝીયોથેરાપીસ્ટ છે, બીજા નંબરની દીકરી હોમીયોપેથીક છે. ત્રીજા નંબરની દીકરી માયાબેન પાયલોટની ટ્રેનિંગ લઈ રહી છે જયારે ચોથા નંબરની દીકરી યોગા ઈન્સ્ટ્ર્ક્ટર છે અને પાંચમાં નંબરની દીકરી એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે.