મુંદ્રા પોર્ટમાંથી સસ્તા ભાવે સ્ક્રેપ અપાવવાની લાલચ આપી નાણાં પડાવી લેતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી તાલુકાના કેરીયાચાડ ગામના એક શખ્સ પાસેથી સ્ક્રેપના નામે હજારો રૂપિયા પડાવી લઈ, માલ ન મોકલીને છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેરીયાચાડ ગામે રહેતા અને ખેતી કરતા કિર્તીભાઇ કુરજીભાઇ ચોડવડિયા (ઉ.વ.૪૦)એ મુંદ્રામાં રહેતા પ્રવિણભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે તે મુંદ્રા પોર્ટમાંથી સ્ક્રેપનો જથ્થો મોકલી આપશે. આ સ્ક્રેપ મોકલવા માટે ગાડીનું ભાડું તથા પોર્ટની ડ્‌યુટી ભરવાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી કુલ રૂ.૫૧,૫૦૦ ની માંગણી કરી હતી. તેમણે આરોપીના જણાવ્યા મુજબ વિશ્વાસ રાખીને આર.કે. આંગડિયા પેઢી મારફતે આ રકમ મોકલી આપી હતી. જોકે, રૂપિયા મળી ગયા બાદ આરોપીએ વાયદા પ્રમાણે સ્ક્રેપ મોકલ્યો નહોતો. જ્યારે તેમને છેતરાયા હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. આરોપીએ રૂપિયા પરત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જ્યારે તેમણે આ મામલે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની વાત કરી, ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને કહ્યું કે, જો પોલીસ ફરિયાદ કરશો તો જાનનું જોખમ રહેશે. આમ, આરોપીએ છેતરપિંડી આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસબી સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.