સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર આશ્રમમાં વધુ એક મનોરોગી મહિલા સ્વસ્થ થતાં પરિવાર સાથે પુનઃમિલન થયું છે. જેતપુરની રહેવાસી મહિલા ૨૫-૧૦-૨૦૨૫ના રોજ આશ્રમમાં દાખલ થઈ હતી અને સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતાં આજે તેમના બંને કાકા તેમને તેડી ગયા. છેલ્લા ૧૩ વર્ષથી ભક્તિ બાપુની નિશ્રામાં આશ્રમ કાર્યરત છે, જ્યાં વિવિધ પ્રાંત અને ભાષાઓની ૫૮ જેટલી બહેનો નિવાસ કરે છે. સેવકો અને દાતાઓના સહયોગથી આશ્રમ ચાલે છે અને કોઈ ફરજિયાત ફાળો લેવાતો નથી. પ્રખ્યાત મનોચિકિત્સક ડા. વિવેક જોશીની સતત કન્સલ્ટિંગ સેવા અને ભક્તિ બાપુના માર્ગદર્શનથી આશ્રમને નોંધપાત્ર સફળતા મળી છે. અત્યાર સુધી ૧૩૧ મહિલાઓને પુનર્જીવન મળ્યું છે.








































