સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે જાણીતા અને બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ એવા મહુવા શહેરમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને કલા સાથે સંસ્કારનું સિંચન કરવાના ઉમદા હેતુથી BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરનું ભવ્ય ખાતમુહૂર્ત અને ઇષ્ટિકા પૂજન વિધિ સંપન્ન થયું. આ સંકુલનું નિર્માણ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી થઈ રહ્યું છે. આ નવનિર્મિત સંકુલના નિર્માણારંભમાં મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા પ્રસાદીભૂત થયેલી ઇષ્ટિકાઓ વડે સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામી, ભાવનગરના કોઠારી સ્વામી તથા અન્ય સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વેદોક્ત રીતે મહાપૂજા વિધિ સંપન્ન કરવામાં આવી. આ પ્રસંગે મહુવાના અગ્રણી ઉદ્યોગપતિઓ, નગરશ્રેષ્ઠીઓ અને હરિભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, અક્ષરચરણ સ્વામીએ જણાવ્યું કે, ભાવિ પેઢીના સંસ્કારોનું જતન કરવા માટે આ વિદ્યામંદિર એક આદર્શ સ્થાન બનશે, જ્યાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથે સંસ્કારોનો લાભ લઈ શકશે.