ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સાધુ સંતોનું ભવનાથ વિસ્તારમાં આગમન થયું છે. સાધુ સંતોએ ધૂણી ધખાવવાનું શરૂ કર્યું છે.
જય ગિરનારી અને બમ બમ ભોલેના નાદ સાથે ૧૧ ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે. આ વર્ષે મહાશિવરાત્રીના મેળાને મીની કુંભ તરીકેની જાહેરાત કરાઈ છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ સાધુ સંતોનું ભવનાથ તળેટીમાં આગમન થયું છે. મેળો શરૂ થાય તેના ત્રણ દિવસ પહેલા જ સાધુ સંતો ભવનાથ તળેટીમાં ધૂણી ધખાવવાનું શરૂ કર્યું છે. જુદા જુદા રાજ્યોમાંથી સાધુ સંતો શિવ ભક્તિમાં લીન થવા આવી પહોંચ્યા છે અને હજુ પણ મોટી સંખ્યામાં સાધુ સંતો ભવનાથ તરફ આવી રહ્યા છે. તંત્ર દ્વારા આ વર્ષે સાધુ સંતો માટે ૬૦ જેટલા ધુણા બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાશિવરાત્રીના મેળાને લઈને સાધુ સંતોનું ભવનાથમાં આગમન થયું છે. પરંતુ સાધુ સંતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. પાણી સહિતની વ્યવસ્થાઓ સાધુ-સંતોને ન મળી હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે ધુણી ધખાવી ભક્તિ કરતાં સાધુ સંતો માટે પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
આમ ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી થાય. જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સાધુ સંતોનું પણ આગમન થઈ રહ્યું છે.









































