એક હતું નાનકડું ગામ. એ ગામમાં રહેતો હતો એક ભોલો. ભોલો એટલે સાવ ભોળો! એક દિવસ ભોલાની મમ્મીએ તેને નાસ્તામાં મમરા આપ્યા. મમરા તો કેવા? સફેદ-સફેદ, હલકા-ફૂલકા અને કડક-કડક!
ભોલો તો મમરા વાટકામાં લઈને ઓસરીમાં બેઠો. ત્યાં જ અચાનક જોરથી પવન આવ્યો – સૂઉઉઉ… સૂઉઉઉ!
પવન એવો તો આવ્યો કે ભોલાના વાટકામાંથી એક મમરો હવામાં ઊડયો! ભોલો તો નવાઈ પામી ગયો. તેણે બૂમ પાડી, ‘‘અરે! મારો મમરો તો પંખી બની ગયો! જુઓ, જુઓ, મમરો ઊડયો!’’
ભોલો તો મમરાની પાછળ દોડ્યો. મમરો ઊંચે ઊડ્યો, તો ભોલો પણ મમરાને પકડવા કૂદ્યો.
ભોલો બોલ્યોઃ ‘‘ઊભો રહે, ઓ મમરાભાઈ! નીચે આવો, નીચે આવો! મારે તમને ખાવા છે!’’
મમરો બોલ્યો: ‘‘હું તો પવનનો ભાઈબંધ, હું તો ઊડીશ! ઊંચે ઊડીશ! હું તારા હાથમાં નહીં આવું!’’
દોડતાં-દોડતાં ભોલો ભટકાયો ગલૂડિયા સાથે. ગલૂડિયું પૂછે, ‘‘અરે ભોલા! તું આમ હાંફળોફાંફડો કેમ દોડે છે ભોલા?’’
ભોલો કહે, ‘‘જો ને, મારો મમરો ઊડયો!’’
ગલૂડિયું કહે, ‘‘શું વાત છે? મમરો ઊડે? એ તો મારે પણ જોવું છે!’’ હવે ભોલો આગળ અને ગલૂડિયું પાછળ – ‘હાઉં-હાઉં’ કરતું દોડવા લાગ્યું.
રસ્તામાં મળી એક જાડી બિલાડી. બિલાડી પૂછે, ‘‘મ્યાઉં… મ્યાઉં… તમે બધાં આમ ક્યાં દોડો છો?’’
ગલૂડિયું કહે, ‘‘ભોલાનો મમરો ઊડયો છે, એને પકડવા જઈએ છીએ!’’
બિલાડીને થયું, ‘જો મમરો ઊડતો હોય, તો ઉંદર પણ ઊડતા હશે!’ એ પણ જોડાઈ ગઈ દોડવામાં.
થોડે આગળ ગયાં, ત્યાં ભોળી ગાય મળી. ગાય કહે, ‘‘અરે ભાઈ, તમે બધાં આમ કેમ દોડો છો?’’
બિલાડી કહે, ‘‘ગાયમાતા, જુઓ તો ખરા, આકાશમાં મમરો ઊડે છે!’’
ગાયમાતાએ ચશ્મા ચઢાવીને જોયું, તો સાચે જ સફેદ-સફેદ કંઈક ઊડતું હતું. ગાય પણ જોડાઈ – ‘અંમ્બા… અંમ્બા…’ કરતી!
દોડતાં-દોડતાં બધાં ગામના પાદરે પહોંચ્યા. ત્યાં એક મોટું તળાવ હતું. પવન ધીમો પડ્યો અને મમરો ધીરે-ધીરે નીચે આવવા લાગ્યો.
ભોલો રાજી થઈ ગયો, ‘‘હવે પકડાઈ જશે!’’
પણ ત્યાં જ… ચટાક!
એક નાનકડી ચકલી આવી અને હવામાં જ મમરો ચાંચમાં પકડી ગઈ!
બધા તો મોઢું ફાડીને જોઈ રહ્યા.
ભોલો કહેઃ ‘‘અરેરે! મારો મમરો ચકલી લઈ ગઈ!’’ ગલૂડિયું કહેઃ ‘‘મેં તો ધાર્યું હતું કે મમરો પતંગ બનશે.’’
બિલાડી કહેઃ ‘‘મને તો એમ કે મમરો ઉંદર બનશે!’’
બધાં પાછાં ઘરે આવ્યાં. ભોલાની મમ્મીએ જોયું કે આખું લશ્કર પાછળ આવે છે. મમ્મીએ પૂછ્યું, ‘‘શું થયું ભોલા?’’
ભોલો રડમસ અવાજે કહે, ‘‘મમ્મી, મારો મમરો ઊડી ગયો અને ચકલી ખાઈ ગઈ!’’
મમ્મી ખડખડાટ હસી પડી અને બોલી, ‘‘અરે ભોલા, મમરો તો હલકો હોય એટલે પવનમાં ઊડે જ ને! ચાલ, તારા બધા મિત્રો માટે પણ મમરાનો મોટો ડબ્બો લાવું.’’
પછી તો ભોલો, ગલૂડિયું, બિલાડી અને ગાય – બધાંએ પેટ ભરીને મમરા ખાધા! પણ આ વખતે ભોલાએ પંખો બંધ રાખીને મમરા ખાધા, જેથી ફરી કોઈ મમરો ઊડી ન જાય!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭











































